સૌરાષ્ટ્રના ક્રિકેટર અને ભારતીય ટેસ્ટ ટીમના વરિષ્ઠ બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ ઈંગ્લિશ ક્રિકેટ કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સસેક્સ તરફથી રમતા ત્રીજી મેચમાં ત્રીજી સદી ફટકારી છે. પૂજારા શુક્રવારે ડુરહામ સામે રમતા 167 બોલમાં 107 રને રમતમાં હતો. તેણે 13 ચોગ્ગા ફટકાર્યા હતા અને સસેક્સે મજબૂત લીડ મેળવી હતી. ડુરહામ અગાઉ પ્રથમ દાવમાં 223 રને ઓલ આઉટ થઈ ગયું હતું. ટેસ્ટમાં કંગાળ ફોર્મ સામે ઝઝૂમી રહેલા પૂજારાએ કાઉન્ટી ક્રિકેટમાં રમવાનો નિર્ણય કર્યો હતો અને હાલ તે શાનદાર ફોર્મમાં જણાય છે. પૂજારાએ ત્રણ ટેસ્ટમાં પાંચ ઈનિંગમાં રમતા એક બેવડી સદી પણ ફટકારી હતી. પૂજારાએ કાઉન્ટીમાં સસેક્સ તરફથી પદાર્પણ કર્યું હતું અને પ્રથમ દાવમાં ફક્ત છ રન કર્યા હતા જો કે તેણે ડર્બિશાયર સામે બીજા દાવમાં 201 રનની અણનમ ઈનિંગ રમતા મેચ ડ્રોમાં પરિણમી હતી. આ ઉપરાંત વોર્સેસ્ટશાયર સામેની મેચમાં સસેક્સનો 34 રને પરાજય થયો હતો જેમાં પૂજારાએ પ્રથમ દાવમાં 109 અને ત્યારબાદ 12 રન કર્યા હતા.
