અમદાવાદ સતત ત્રણ દિવસથી ગરમીનો પારો 44 ડિગ્રીથી વધુ નોંધાયો છે. જોકે ગઈકાલે ભારે પવન ફૂંકાતા હીટવેવની આગાહી હોવા છતા ગરમીનો પારો એક ડિગ્રી જેટલો ઘટયો હતો. પરંતુ હવામાન વિભાગે આજે પણ અમદાવાદમાં હીટવેવની આગાહી કરી છે. આજે ગરમીનો પારો 44 ડિગ્રીને પાર થયો છે. જોકે સોમવારથી મહત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થતાં ગરમીથી રાહત રહેશે.
આજે ગરમીમાં વધારો થઈ શકે
ઈરાનમાં સક્રિય થયેલા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે 2 મેથી એટલે સોમવાર પાંચ દિવસ સુધી ગરમી પારો ગગડીને 41 ડિગ્રીની આસપાસ રહેવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. ગરમ સુકા પવનોની અસર તેમજ પવનની ગતિ 7 કિલોમીટરની આસપાસ રહેતી હોવાથી બુધવારથી શુક્રવાર સુધી ગરમીનો પારો 44 ડિગ્રીની આસપાસ પહોંચતાં હીટવેવનું મોજું ફરી વળ્યું હતું. પરંતુ, શનિવારે પવનની ઝડપમાં વધારો થવાની સાથે ભેજમાં વધારો થતાં ગરમીમાં સામાન્ય ઘટાડો નોંધાયો છે. જેને પગલે અમદાવાદનું મહત્તમ તાપમાન 43.3 ડિગ્રી અને લઘુતમ તાપમાન 28.7 ડિગ્રી નોંધાયું હતું. જોકે આજે ગરમીમાં વધારો થઈ શકે છે.
7 દિવસમાં 6 હજારથી વધુ બન્યાં હીટવેવનો શિકાર
અમદાવાદમાં ગરમીની સમસ્યાથી બિમાર પડવાના કેસમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. 7 દિવસમાં જ 6 હજારથી વધુ લોકો ગરમીને લગતી સમસ્યાનો શિકાર બની ચૂક્યા છે.ઈમરજન્સી સેવા 108 પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર અમદાવાદમાં 7 દિવસમાં કુલ 6735થી વધુ લોકો કાળઝાળ ગરમીથી બિમાર પડયા છે. જેમાં પેટમાં દુઃખાવાની સૌથી વધુ 1556 ફરિયાદ નોંધાઇ છે. આ પૈકી છેલ્લા ચાર દિવસથી પેટમાં દુઃખાવાની દરરોજની 50થી વધુ ફરિયાદો સામે આવી રહી છે. ગરમીથી શ્વાસ લેવામાં સમસ્યા નડતી હોય તેના 1152 કેસ છેલ્લા સાત દિવસમાં નોંધાયા છે.
ગરમી સામે શું કાળજી રાખવી
વધુ પ્રમાણમાં પાણી, છાશ અથવા અન્ય પ્રવાહીનું સેવન કરવું
લાંબો સમય તડકામાં ન રહેવું, હળવા રંગના સુતરાઉ કપડાં પહેરવાં
ઠંડકવાળા સ્થળો પર સમયાંતરે આરામ કરવો
નાના બાળકો- વૃધ્ધો અને સગર્ભા સ્ત્રીઓનું ખાસ ધ્યાન રાખવું
અતિશય ગરમીનાં લીધે લુ (હીટ સ્ટ્રોક) લાગવાના લક્ષણો
ગરમીની અળાઇઓ
ખૂબ પરસેવો થવો અને અશક્તિ લાગવી
માથાનો દુ:ખાવો, ચક્કર આવવા
ચામડી લાલ - સૂકી અને ગરમ થઇ જવી
સ્નાયુઓમાં દુઃખાવો અને અશક્તિ આવવી
ઉબકા અને ઉલ્ટી થવી