વડોદરા,
ગુજરાતમાં કોરોના XE વેરિયન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે. આરોગ્ય વિભાગથી મળતી વધુ વિગતો અનુસાર મુંબઇથી ફ્લાઇટ મારફતે વડોદરા આવેલ 67 વર્ષીય પુરુષ વ્યક્તિનું સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યું હતુ. આઇ.સી.એમ.આર.ની ગાઇડલાઇન પ્રમાણે સેમ્પલને ટેસ્ટીંગ માટે જીનોમ સિકવ્ન્સીંગ લેબ ગાંધીનગર ખાતે મોકલવામાં આવ્યું હતુ. જેનો ગઇ કાલ રાત્રે રિપોર્ટ આવતા આ સેમ્પલ ટેસ્ટીંગ રીપોર્ટ પોઝીટીવ જણાઇ આવ્યો છે.
આ દર્દીના કોરોના ટેસ્ટીંગ સેમ્પલ માં XE વેરિયન્ટસના જીનોમ સિકવન્સ મળી આવ્યા છે. આમ ગુજરાતમાં XE વેરિયન્ટસના જીનોમ સિકવન્સ વાળા કોરોનાગ્રસ્ત દર્દીનો પ્રથમ કેસ નોંધાયો છે. ઉક્ત દર્દીની આરોગ્ય તપાસ અર્થે અન્ય રીપોર્ટસ કરતા દર્દી કોમોર્બિડ હોવાનું પણ જણાઇ આવ્યું છે.
દર્દીના સંપર્કમાં આવેલ ત્રણ વ્યક્તિઓના કોરોના ટેસ્ટીંગ કરવામાં આવતા તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે.
હાલ આ કોરોનાગ્રસ્ત દર્દી મુંબઇ ખાતે છે. આરોગ્ય વિભાગ દ્વારા દર્દી સાથે ટેલિફોનિક સંવાદ કરીને સ્વાસ્થ્ય સ્થિતિ પૂછતા દર્દીની હાલત સંપૂર્ણ પણે સ્થિર હોવાનું જણાઇ આવેલ છે.
આરોગ્ય વિભાગ દ્વારા પ્રિકોશનના ભાગ રૂપે વડોદરાના સ્થાનિક વિસ્તારમાં કોવિડ ગાઇડલાઇન અનુસાર નિયત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મહત્વની જાણકારીઓઃ
1. કોરોના વાયરસનો XE વેરિઅન્ટ અત્યાર સુધીનો સૌથી ચેપી વેરિઅન્ટ હોઈ શકે છે.
2.વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું (WHO) કહેવું છે કે, ઓમિક્રોનનો સબ-વેરિઅન્ટ BA.2ની તુલનામાં XE વેરિઅન્ટ કરતાં 10 ટકા વધુ ચેપી લાગે છે.
3. WHOના કહેવા પ્રમાણે હાલમાં ઓમિક્રોન વેરિઅન્ટના ભાગરૂપે XE મ્યુટેશનને ટ્રેક કરવામાં આવી રહ્યો છે. ઓમિક્રોનના લક્ષણોમાં તાવ, ગળામાં દુખાવો, ઉધરસ અને શરદી, ચામડીમાં બળતરાનો સમાવેશ થાય છે.
4. યુકેમાં 19 જાન્યુઆરીએ પહેલી વાર તેની શોધ થઈ ત્યારથી લગભગ 637 કેસ નોંધાયા છે.
5. યુકેની હેલ્થ એજન્સી 3 વેરિઅન્ટ XD, XE અને XFનો અભ્યાસ કરી રહી છે. XD એ BA.1 ઓમિક્રોન વેરિઅન્ટનો હાઈબ્રિડ છે અને XFએ ડેલ્ટા અને BA.1નો 'Recombinant' વેરિઅન્ટ છે.
6. અહેવાલમાં યુકે હેલ્થ સુરક્ષા એજન્સી (UKHSA)ના મુખ્ય તબીબી અધિકારી સુસાન હોપકિંસ કહ્યું હતું કે, આવા પ્રકારના વેરિઅન્ટને 'Recombinant' તરીકે ઓળખવામાં આવે છે અને સામાન્ય રીતે 'અપેક્ષાકૃત જલ્દી' ખતમ થઈ જાય છે.
7. થાઈલેન્ડ અને ન્યુઝીલેન્ડમાં પણ XE વેરિઅન્ટ મળી આવ્યો છે. WHOએ કહ્યું હતું કે, મ્યુટેશન વિશે બીજું કંઈ કહી શકાય તે પહેલાં વધુ ડેટાની જરૂર છે.
8. આ વાતનો કોઈ પુરાવો નથી કે, XEના લક્ષણો ગંભીર છે, અત્યાર સુધીમાં ઓમિક્રોનના તમામ વેરિઅન્ટમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે.
