UKના વડાપ્રધાન બોરિસ જોન્સને લીધી ગાંધી આશ્રમની મુલાકાત, ચરખો કાંત્યો

 

સત્ય અને અહિંસાથી દુનિયા કેવી રીતે બદલી શકાય તેનું ઉદાહરણ સમગ્ર વિશ્વને ગાંધીજીએ પૂરું પાડ્યું: જોન્સન...

અમદાવાદ

યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સન 21 એપ્રિલથી ભારતના પ્રવાસે છે. ભારત પ્રવાસની શરૂઆત બોરિસ જોન્સને ગુજરાતથી કરી છે. ગુજરાતની મુલાકાતે આવેલા યુ.કે.ના વડાપ્રધાન બોરિસ જોન્સને અમદાવાદમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ ઐતિહાસિક ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. બોરિસ જોન્સન હૃદયકુંજમાં ગાંધીજીની પાવનભુમિમાં આવીને ગાંધી વિચારોથી પ્રભાવિત થયા હતા. તેમણે ગાંધીજીની પ્રતિમાને પુષ્પ અર્પણ કર્યા હતા. હૃદયકુંજના વિવિધ ખંડો નિહાળી તેમણે ગાંધીજીને પ્રિય એવા ચરખા પર કાંતણ કર્યું હતું અને ગાંધી આશ્રમ ખાતે આવેલી અમદાવાદ ગેલેરીની પણ મુલાકાત લીધી હતી. વિઝિટર્સ બુકમાં પોતાનો ભાવ વ્યક્ત કરતા યુ.કે.ના વડાપ્રધાન શ્રી બોરિસ જોન્સને લખ્યું કે, 'મારી ગાંધી આશ્રમની મુલાકાત અવર્ણનીય છે. અને  ગાંધી આશ્રમમાં આવવાનો  મારો અનુભવ પણ ખૂબ જ સારો રહ્યો. સત્ય અને અહિંસાથી દુનિયા કેવી રીતે બદલી તેનું ઉદાહરણ સમગ્ર વિશ્વને ગાંધીજીએ પૂરું પાડ્યું છે...' આ અવસરે ગાંધી આશ્રમ તરફથી 'ગાઈડ ટુ લંડન' અને 'ઓટોબાયોગ્રાફી ઓફ મીરાબેન' એમ બે પુસ્તકો જોન્સનને ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી.