નવી દિલ્હી
પોતાનું અંગત સ્વતંત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ લોન્ચ કરવાની યોજના બનાવતા બનાવતા દુનિયાના સૌથી મોટા ધનકુબેરે વિશ્વની ટોચની સોશિયલ મીડિયા કંપની ટ્વિટરમાં નોંધપાત્ર હિસ્સેદારી ખરીદી લીધી છે. આ સ્ટેક ખરીદ્યા બાદ બજારમાં અટકળો હતો કે એલન મસ્ક ટ્વિટરના બોર્ડમાં શામેલ થશે અને તેમના અંગત અભિપ્રાયો આપીને ટ્વિટરની કાયાપલટ કરી શકે છે. જોકે આ તમામ અટકળો પર અંતે ટ્વિટરના સીઈઓ અગ્રવાલે પૂર્ણ વિરામ મુક્યું છે.
માઇક્રોબ્લોગિંગ સાઇટના સીઇઓ પરાગ અગ્રવાલે સોમવારે, 11 એપ્રિલે કહ્યું કે સ્પેસ એક્સ અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્ક ટ્વિટરના બોર્ડમાં સામેલ થવાના નથી.
મસ્કે તાજેતરમાં ટ્વિટરમાં 9.2 ટકા હિસ્સો ખરીદ્યો હતો અને બાદમાં જાહેરાત કરી હતી કે તે પ્લેટફોર્મના બોર્ડમાં જોડાશે. એલોન મસ્ક 9 એપ્રિલે ટ્વિટરના બોર્ડમાં જોડાવાના હતા પરંતુ તે જ દિવસે તેમણે ફેરવી તોળ્યું અને બોર્ડના સભ્ય બનવાનો ઈન્કાર કર્યો.
પરાગ અગ્રવાલે એક ટ્વિટમાં કહ્યું કે "બોર્ડમાં એલોનનો સમાવેશ કરવા અંગે બોર્ડ અને મારી વચ્ચે ઘણી ચર્ચાઓ થઈ છે. એલન સાથે સીધી વાતચીત પણ કરી હતી. અમે તેમની સાથે સહયોગ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા અને અમે તેમાં સામેલ જોખમોથી પણ વાકેફ હતા. અમારા મતે એલોન બોર્ડના અન્ય સભ્યોની જેમ કંપની અને અમારા તમામ શેરધારકોના શ્રેષ્ઠ હિતમાં કાર્ય કરવાનું હતું. તેઓ કંપની સાથે એક સહાયકના રૂપમાં જોડાવવાના હતા.
અગ્રવાલે કહ્યું કે કંપની બેકગ્રાઉન્ડની તપાસ અને ઔપચારિક મંજૂરી પછી મસ્કને બોર્ડમાં નિયુક્ત કરવાના હતા. તેમની બોર્ડમાં નિમણૂક 9 એપ્રિલથી અમલમાં આવવાની હતી, પરંતુ એલોને તે જ સવારે જાણ કરી કે તેઓ બોર્ડમાં જોડાઈ શકશે નહીં. મસ્કે જ બોર્ડમાં શામેલ થવાની ના પાડી છે. જોકે અમે ટ્વિટરમાં સૌથી મોટા શેરહોલ્ડર તરીકે તેમની પાસેથી ઇનપુટ મેળવતા રહીશું.
જોકે અગ્રવાલે અંતે કહ્યું કે અમે પોતે નિર્ણયો લઈએ છીએ અને તેનો અમલ કરીએ છીએ, બીજું કોઈ નહિ. ચાલો ચર્ચાઓ પૂરી કરીએ અને કામ પર ધ્યાન આપીએ.
x
