ઈસ્લામાબાદ
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન આજે પોતાની રાજકીય કારકિર્દીના સૌથી નિર્ણાયક પડકારનો સામનો કરી રહ્યા છે કારણ કે તેઓ અવિશ્વાસ મત દ્વારા હટાવવામાં આવેલા પ્રથમ વડાપ્રધાન બની શકે છે. સ્થાનિક સમયાનુસાર સવારે 10:00 કલાકે નેશનલ એસેમ્બલીમાં ઈમરાન ખાનના ભાવિનો નિર્ણય લેવા માટે મતદાન થશે.
ઈમરાન ખાનની પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ પાર્ટીએ આ મહિનાની શરૂઆતમાં વિધાનસભામાં અસરકારક રીતે બહુમતી ગુમાવી દીધી હતી. ગઠબંધનના મુખ્ય સહયોગીએ કહ્યું હતું કે તેના 7 ધારાસભ્યો વિરોધ પક્ષ સાથે મતદાન કરશે. શાસક પક્ષના એક ડઝનથી વધુ ધારાસભ્યોએ પણ તેઓ ફ્લોર પાર કરશે તેવા સંકેત આપ્યા હતા.
વિપક્ષના કહેવા પ્રમાણે 342 બેઠકોવાળી વિધાનસભામાં તેમની પાસે 172થી વધુ મત છે.
વડાપ્રધાન ઈમરાન ખાને પાકિસ્તાનના લોકોને દેશના સાર્વભૌમત્વની રક્ષા કરવા માટે આહવાન કરતા, ગઈકાલે રાત્રે શેરીઓમાં ઉતરવા અને 'આયાતી સરકાર' સામે શાંતિપૂર્વક વિરોધ કરવા કહ્યું હતું.
વડાપ્રધાન ખાને દાવો કર્યો હતો કે, વિદેશી શક્તિઓ તેમની સરકારને તોડી પાડવાનો પ્રયત્ન કરી રહી છે અને આ માટે પાકિસ્તાનના ધારાસભ્યોનો ઘેટાંની જેમ વેપાર કરવામાં આવી રહ્યો છે.
તેમણે કહ્યું હતું કે, અમને જાણવા મળ્યું છે કે, અમેરિકી રાજદ્વારીઓ અમારા લોકોને મળી રહ્યા છે. ત્યાર બાદ અમને સમગ્ર યોજના વિશે જાણ થઈ. વધુમાં ઉમેર્યું હતું કે રાષ્ટ્રીય સુરક્ષાની ચિંતાને કારણે તેમને તમામ વિગતો જાહેર કરવાની સ્વતંત્રતા નથી.
તેમણે દેશના મીડિયાની પણ ટીકા કરી હતી અને સરકારના પતનની 'ઉજવણી' કરવાનો આરોપ લગાવ્યો હતો.
પીએમ ખાને કહ્યું હતું કે, વિદેશી શક્તિઓ નમ્ર પીએમ ઈચ્છે છે અને તેથી જ તેઓ તેમને બહાર ધકેલવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમણે રાજકીય પરિસ્થિતિને પાકિસ્તાનના સાર્વભૌમત્વ પર હુમલો ગણાવ્યો હતો. તેમણે કહ્યું હતું કે, અમે 22 કરોડ લોકો છીએ. આ અપમાનજનક છે કે બહારથી કોઈ 22 કરોડ લોકોને આ આદેશ આપી રહ્યું છે.
સુપ્રીમ કોર્ટે ગુરૂવારે કહ્યું હતું કે વડાપ્રધાન ઈમરાન ખાન વિરૂદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવની બરતરફી ગેરબંધારણીય હતી. કોર્ટે રાષ્ટ્રીય વિધાનસભાની પુનઃરચના કરી અને સ્પીકરને સત્ર બોલાવવાનો આદેશ આપ્યો હતો.
જો મિસ્ટર ખાન હારી જશે તો તેઓ અવિશ્વાસ મત દ્વારા હટાવવામાં આવનારા દેશના પ્રથમ વડાપ્રધાન હશે. ત્યારબાદ વિપક્ષ પોતાના વડાપ્રધાનને નોમિનેટ કરી શકશે અને ઓગસ્ટ 2023 સુધી સત્તા જાળવી શકશે અને તે તારીખ સુધીમાં નવી ચૂંટણીઓ યોજવી પડશે.
પાકિસ્તાનમાં શરૂઆતથી અત્યાર સુધીમાં કોઈ વડાપ્રધાને પૂર્ણ કાર્યકાળ નથી જોયો.
