PM મોદીએ કોરોનાની સ્થિતિ પર રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથેની બેઠકમાં કહ્યું- એલર્ટ રહેવું પડશે



દિલ્હી

કોરોના પર મુખ્યમંત્રીઓની બેઠકને સંબોધિત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ રાજ્યોને એલર્ટ રહેવા કહ્યું છે. તેમણે કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોમાં ઘણા રાજ્યોમાં કોરોનાના કેસ વધ્યા છે, જેને ધ્યાનમાં રાખીને ખૂબ જ સાવચેત રહેવાની જરૂર છે. તેમણે કહ્યું કે શરૂઆતથી જ સંક્રમણને અટકાવવું એ અમારી પ્રાથમિકતા હતી, તે આજે પણ એવી જ રહેવી જોઈએ. આપણે ટેસ્ટ, ટ્રેક, ટ્રીટની વ્યૂહરચનાને એટલી જ અસરકારક રીતે અમલમાં મૂકવાની છે.

પીએમ મોદીએ આ મીટિંગમાં કહ્યું કે, તે સ્પષ્ટ છે કે કોરોનાનો પડકાર હજી સંપૂર્ણ રીતે સમાપ્ત થયો નથી, ઓમિક્રોન અને તેના તમામ પ્રકારો કેવી રીતે ગંભીર પરિસ્થિતિ સર્જી શકે છે, તે અમે યુરોપના દેશોમાં જોઈ શકીએ છીએ. છેલ્લા કેટલાક મહિનાઓમાં આ વેરિયન્ટ્સથી કેસોમાં વધારો થયો છે, ઘણા દેશોની તુલનામાં ભારતે પરિસ્થિતિને નિયંત્રણમાં રાખી છે.

પીએમ મોદીએ કહ્યું કે, છેલ્લા બે વર્ષમાં કોરોનાને લઈને આ અમારી 24મી બેઠક છે. જે રીતે કેન્દ્ર અને રાજ્યોએ કોરોના સમયગાળા દરમિયાન સાથે મળીને કામ કર્યું છે અને જેમણે દેશની કોરોના સામેની લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવી છે. હું તમામ કોરોના વોરિયર્સની પ્રશંસા કરું છું. છેલ્લા 2 અઠવાડિયાથી વધી રહેલા કેસોને લઈને આપણે સાવધાન રહેવું પડશે. 2 વર્ષની અંદર દેશે સ્વાસ્થ્ય ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને ઓક્સિજન સપ્લાય સુધી કોરોના સંબંધિત દરેક પાસાઓમાં જે જરૂરી છે તે પૂરું પાડવાનું કામ કર્યું છે. ત્રીજી લહેરમાં અનિયંત્રિત સ્થિતિના કોઈ સમાચાર નથી.

તેમણે કહ્યું કે, આજે ભારતની વયસ્ક વસ્તીના 96% લોકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે અને 15 વર્ષથી વધુ ઉંમરના લગભગ 85% બાળકોને બીજો ડોઝ મળ્યો છે. માર્ચમાં અમે 12-14 વર્ષના બાળકો માટે રસીકરણ શરૂ કર્યું. કાલે 6-12 વર્ષના બાળકો માટે પણ કો-વેક્સિન રસીની મંજૂરી આપવામાં આવી છે.