આજે મંગળવારે સવારે બનાસકાંઠા પહોંચેલા પીએમ મોદીએ અનેક યોજનાઓની ભેટ આપી છે..
બનાસકાંઠા
પીએમ નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. આજે મંગળવારે સવારે બનાસકાંઠા પહોંચેલા પીએમ મોદીએ અનેક યોજનાઓની ભેટ આપી છે. પીએમ મોદીએ બનાસકાંઠાના દિયોદર ખાતે ડેરી કોમ્પ્લેક્સ, બટાટા પ્રોસેસિંગ યુનિટ અને ચીઝ અને છાશ પ્લાન્ટ ઉપરાંત અનેક પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ઓપનિંગ સેરેમની બાદ તેમણે ત્યાં હાજર લોકોને સંબોધિત કર્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, જીવનમાં કદાચ પહેલીવાર એવો અવસર આવ્યો હશે કે એક સાથે દોઢ, બે લાખ માતા-બહેનો આજે અહીં મને આશીર્વાદ આપી રહી છે. પીએમ મોદીએ જણાવ્યું કે, બનાસ ડેરી સંકુલ, ચીઝ અને વ્હી પ્લાન્ટ, આ તમામ ડેરી ક્ષેત્રના વિસ્તરણમાં મહત્વપૂર્ણ છે, બનાસ ડેરીએ એ પણ સાબિત કર્યું છે કે સ્થાનિક ખેડૂતોની આવક વધારવા માટે અન્ય સંસાધનોનો પણ ઉપયોગ કરી શકાય છે. બનાસ ડેરીમાં વિકાસની પહેલ ખેડૂતોને સશક્ત બનાવશે અને ગ્રામીણ અર્થતંત્રને વેગ આપશે. આત્મનિર્ભર ભારત અભિયાનને સહકારી ચળવળ કેવી રીતે બળ આપે છે તે આપણે અહીં અનુભવી શકીએ છીએ. પીએમ મોદીએ કહ્યું કે, ગોબર ધન દ્વારા એક સાથે અનેક લક્ષ્યો હાંસલ કરવામાં આવી રહ્યા છે. એક તો ગામડાઓમાં સ્વચ્છતાને બળ આપી રહ્યું છે, બીજું પશુપાલકોને તેમાંથી ગાયના છાણ માટે પૈસા પણ મળી રહ્યા છે. આજે અહીં એક બાયો-સીએનજી પ્લાન્ટનું લોકાર્પણ કરવામાં આવ્યું છે અને 4 ગોબર ગેસ પ્લાન્ટનું શિલાન્યાસ કરવામાં આવ્યું છે. બનાસ ડેરી દેશભરમાં આવા અનેક પ્લાન્ટ સ્થાપવા જઈ રહી છે. સરકારના કચરાથી કંચન અભિયાનને આનાથી મદદ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. ગઈ કાલે સાંજે તેમણે ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાત લીધી હતી અને પોતાના 3 દિવસના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાતે છે ત્યારે તેઓ અહીંની બનાસ ડેરીના નવા સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અત્યાધુનિક સુવિધાઓ અને પશુઓનું ખાસ ધ્યાન રખાય તે બાબતોને ધ્યાનમાં રાખીને બનાસ ડેરીનું નવું સંકુલ ઉભું કરવામાં આવ્યું છે. બનાસકાંઠા દિયોદર ખાતે 600 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવેલ નવું ડેરી સંકુલ અને બટાટા પ્રેસિંસિગ પ્લાન્ટ 19 એપ્રિલે સવારે રાષ્ટ્રને સમર્પિત કરાશે. નવું ડેરી સંકુલ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે. આ પ્લાન્ટ લગભગ 80 ટન માખણ, 1 લાખ લિટર આઈસ્ક્રીમ, 20 ટન કન્ડેન્સ્ડ મિલ્ક અને 6 ટન ચોકલેટનું ઉત્પાદન કરીને દરરોજ લગભગ 30 લાખ લિટર દૂધની પ્રક્રિયા કરવામાં સક્ષમ રહેશે. 19 એપ્રિલ એટલે કે, આજે પીએમ મોદી જામનગરમાં WHOના સહકારથી બનનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. જામનગરમાં સ્થાપનારૂ આ સેન્ટર સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરૂં પાડશે, તેમજ પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવામાં ઉપયોગી થશે. એટલું જ નહિ, આ સેન્ટર પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરૂં પાડશે તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે. વડાપ્રધાને આ અગાઉ નવેમ્બર 2020માં જામનગરમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA)ને ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરલ ઈમ્પોર્ટન્સ તરીકે જાહેર કર્યું છે.
