IPL 2022: મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માને 24 લાખ રૂપિયાનો દંડ


 મુંબઇ

ઈન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની મુસીબતો ઓછી થવાનું નામ નથી લઈ રહી. ટીમને 5મી હારનો સામનો કરવો પડ્યો, તો બીજી તરફ ધીમા ઓવર રેટના કારણે કેપ્ટન રોહિત શર્મા સહિત તમામ ખેલાડીઓને દંડ ફટકારવામાં આવ્યો છે. 

પંજાબ સામે રમાયેલી મેચમાં ધીમા ઓવર રેટ માટે મુંબઈના કેપ્ટનને 24 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, જ્યારે બાકીની ટીમ પર 6 લાખ રૂપિયા અથવા મેચ ફીના 25 ટકાનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ સિઝનમાં રોહિત શર્મા માટે આ બીજી સ્લો ઓવર રેટ પેનલ્ટી છે.

મુંબઈની ટીમ પંજાબ સામેની મેચમાં ઉતરી ત્યારે પંજાબે શિખર ધવન અને મયંક અગ્રવાલની અડધી સદીની મદદથી 198 રનનો સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. જવાબમાં ફરી એકવાર મુંબઈની ઓપનિંગ જોડી કમાલ કરી શકી ન હતી, તેમ છતાં ટીમ એક સમયે જીત તરફ આગળ વધી રહી હતી. પરંતુ છેલ્લી કેટલીક ઓવરોમાં બે રન આઉટ અને ત્યાર બાદ સૂર્યકુમાર યાદવની વિકેટે મુંબઈને મેચથી દૂર કરી લીધું હતું. આ સિઝનમાં મુંબઈની આ સતત પાંચમી હાર છે.

અહીંથી ટીમ માટે પ્લેઓફમાં પહોંચવું ઘણું મુશ્કેલ લાગે છે. જોકે, 2014માં ટીમ આવી સ્થિતિમાંથી પ્લેઓફ સુધીની સફર નક્કી કરી ચૂકી છે. પરંતુ તે સમયે મુંબઈની ટીમ અલગ હતી. હવે આ ટીમમાં ટ્રેન્ટ બોલ્ટ અને પંડ્યા બ્રધર્સનો અભાવ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જ્યારે જસપ્રીત બુમરાહ સારી લયમાં દેખાઇ રહ્યો નથી.