મહેસાણાની દૂધસાગર ડેરીમાં કરોડોની ઉચાપતના કેસમાં ડેરીના પૂર્વ ચેરમેન અને રાજ્યના પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી સામે સી.આઇ.ડી.એ અમદાવાદની સ્પેશિયલ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. ડેરીના સ્ટાફને પ્રોત્સાહન બોનસ ચૂકવી તેની ૮૦ ટકા રકમ પરત મેળવી જ્વેલરીમાં રોકાણ કરવાના તથા મહારાષ્ટ્રમાં વિનમૂલ્યે સાગરદાણ મોકલી મંડળીને ૨૨ કરોડનું નુકસાન કરવા સહિતના કેસમાં સી.આઇ.ડી.એ છ વર્ષ બાદ વિપુલ ચૌધરીની ધરપકડ કરી હતી. અમદાવાદ સ્થિત સ્પેશિયલ કોર્ટમાં ખાસ વકીલ સુધીર બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવેલા સોગંદનામામાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે પૂર્વ ચેરમેન વિપુલ ચોધરીએ બોર્ડના અન્ય સભ્યોને વિશ્વાસમાં લીધા વગર વર્ષ ૨૦૧૩માં મહારાષ્ટ્રમાં સાગરદાણ પશુ આહાર મોકલ્યો હતો.
આમ કરી તેમણે ડેરીને ૨૨.૫૦ કરોડનું નુકસાન પહોંચાડયું હોવાનું સહકારી રજિસ્ટ્રારનું તારણ હતું. જેનાં આધારે મહેસાણામાં ફરિયાદ નોંધવામાં આવી હતી. આ ઉપરાંત દૂધસાગર ડેરીના કર્મચારીઓને તેમની કામગીરી બદલ પ્રોત્સાહન બોનસ ચૂકવવામાં આવતું હોય છે. કર્મચારીઓને આ બોનસની રકમ ચૂકવ્યા બાદ તત્કાલિન ચેરમેન વિપુલ ચૌધરી અને તત્કાલિન મેનેજિંગ ડિરેક્ટર નિશીથ બક્ષીએ બોનસની ૮૦ ટકા રકમ કર્મચારીઓ પાસેથી ગેરરીતિપૂર્વક પરત લીધી હતી અને આ રકમનુંઅંગત રોકાણ કર્યું હતું
ડેરીની ૧૨-૮-૨૦૧૯ના રોજ મળેલી બેઠકમાં આરોપી કોઇ હોદ્દો ન ધરાવતા હોવા છતાં બેઠકમાં હાજરી આપી હતી. દૂધસાગરની ડેરીની અન્ય શાળાઓ રાજસ્થાન અને હરિયાણમાં પણ આવેલી છે અને શાખાઓનો તમામ વહીવટ મહેસાણાથી કરવામાં આવે છે. આરોપીઓએ ઉચાપતથી મેળવેલી રકમનું રોકાણ જૈનમ ઇન્ડસ્ટ્રીઝ અને જ્વેલરીમાં કરવામાં આવ્યું છે. પોલીસે ચાર્જશીટમાં કુલ ૨૨૦૦ સાક્ષીઓ દર્શાવ્યા છે, જે પૈકી ૨૩ સાક્ષીઓનાં નિવેદન સી.આર.પી.સી.ની કલમ-૧૬૪ પ્રમાણે મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધવામાં આવ્યાં છે.
