ડર્બી (ઈંગ્લેન્ડ)
ભારતના ચેતેશ્વર પુજારા અને પાકિસ્તાનના વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન એકસાથે ઈંગ્લેન્ડમાં કાઉન્ટી ક્રિકેટ ચેમ્પિયશિપમાં ડેબ્યુ કર્યું છે. બન્ને ખેલાડીઓએ કાઉન્ટી ચેમ્પિયનશિપ ડિવિઝન 2માં યજમાન ડર્બીશાયર સામે કાઉન્ટી ક્રિકેટ ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. જો કે પુજારા અગાઉ ઈંગ્લેન્ડમાં ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમી ચૂક્યો છે જ્યારે પાકિસ્તાનના મોહમ્મદ રિઝવાન માટે આ સૌપ્રથમ તક રહી છે.
ટોમ ડેન્સની કેપ્ટન્સી હેઠળની સસેક્સ કાઉન્ટીના પ્લેઈંગ ઈલેવનમાં પુજારા અને રિઝવાનને સ્થાન મળ્યું છે. ડર્બીશાયરે ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી હતી. જેને પગલે પુજારા અને રિઝવાનને મેચના બીજા દિવસે બેટિંગ કરવાની તક મળે તેવી સંભાવના છે. બન્ને ખેલાડીઓ હાલમાં તેમની કારકિર્દીના અલગ અલગ છેડે ઉભા છે. ભારતના ચેતેશ્વર પુજારાને તાજેતરમાં દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી બાદ ટીમમાંથી બહાર કરાયો હતો. પુજારા હાલમાં કંગાળ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે.
જ્યારે બીજીતરફ મોહમ્મદ રિઝવાન છેલ્લા કેટલાક વર્ષોમાં આંતરાષ્ટ્રીય ક્રિકેટમાં શ્રેષ્ઠ વિકેટકીપર બેટ્સમેન પૈકીનો એક છે. સસેક્સ કાઉન્ટી તેનો પ્રથમ મુકાબલો હાર્યું હોવાથી કોચ ઈયાન સાલિસબરીએ બન્ને વિદેશી ખેલાડીઓને ટીમમાં સામેલ કરવાનો નિર્ણય કર્યો હતો. હેડ કોચે જણાવ્યું કે, રિઝવાન અને પુજારા જેવા સક્ષમ ખેલાડીઓને ટીમમાં સામેલ કરીને હું ખુશ છું. તેઓ વિશ્વ સ્તરના ખેલાડીઓ છે અને તેનાથી ટીમને લાભ થશે.
