નવી મુંબઈ,
હાર્દિક પંડયાની સતત બીજી અડધી સદી સાથે ૫૨ બોલમાં ૮ ચોગ્ગા અને ચાર છગ્ગા સાથે અણનમ ૮૭ રનની કેપ્ટન ઈનિંગ તેમજ દયાલ-ફર્ગ્યુસનની ૩-૩ વિકેટની મદદથી ગુજરાત ટાઈટન્સે શાનદાર દેખાવ સાથે રાજસ્થાન સામે ૩૭ રનથી જીત હાંસલ કરી હતી. ગુજરાતે આપેલા ૧૯૩ રનના ટાર્ગેટ સામે રાજસ્થાન ૯ વિકેટે ૧૫૫ રન કરી શક્યું હતુ. બટલરે ૨૪ બોલમાં ૫૪ રન ફટકાર્યા હતા, પણ સામેના છેડેથી તેને સાથ મળી શક્યો નહતો.
૧૯૩ના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલા રાજસ્થાન તરફથી બટલરે ઝંઝાવાત જગાવ્યો હતો. જોકે સામેના છેડેથી વિકેટ પડતી રહી હતી. પડિક્કલ (૦) અને વન ડાઉન ઉતરેલો અશ્વિન (૮) રને આઉટ થયા હતા. બટલર છઠ્ઠી ઓવરના અંતે આઉટ થયો ત્યારે સ્કોર ૬૫/૩ થઈ ગયો હતો. હેતમાયરે ૧૭ બોલમાં ૨૯ સાથે લડત આપવાનો પ્રયાસ કર્યો હતો, પણ ગુજરાતે મેચ પર પકડ જમાવી હતી. ફર્ગ્યુસને ૨૩ રનમાં અને દયાલે ૪૦ રનમાં ૩-૩ વિકેટ ઝડપી હતી.
અગાઉ ગુજરાત ટાઈટન્સને ચાર વિકેટે ૧૯૨ રન ફટકાર્યા હતા. રાજસ્થાનની બોલિંગ કંગાળ રહી હતી. ખાસ કરીને આખરી પાંચ ઓવરમાં ગુજરાતે ૬૨ રન ફટકાર્યા હતા. અગાઉની મેચમાં રાજસ્થાન માટે મેચ વિનર સાબિત થયેલા કુલદીપ સેને નાંખેલી ઈનિંગની ૧૯મી ઓવરમાં મીલરે ત્રણ ચોગ્ગા અને એક છગ્ગા સાથેકુલ ૨૧ રન લીધા હતા.
રાજસ્થાનના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને પ્રથમ ગુજરાતને બેટિંગમાં ઉતાર્યું હતુ. વેડે ૬ બોલમાં ૧૨ રન ફટકાર્યા હતા. જોકે તેને ડેેર ડુસેને રનઆઉટ કરી દીધો હતો. ઓલરાઉન્ડર વિજય શંકર ફરી નિષ્ફળ રહ્યો હતો અને માત્ર બે રનના વ્યક્તિગત સ્કોર પર કુલદીપ સેનની બોલિંગમાં વિકેટની પાછળ સેમસનના હાથે કેચઆઉટ થયો હતો. ગુજરાતે માત્ર ૧૫ રનમાં બે વિકેટ ગુમાવી હતી.
હાર્દિક પંડયાએ મેદાન પર પહોંચતા જ બાજી સંભાળી લીધી હતી. ગિલ અને હાર્દિકની જોડીએ ૩૮ રન જોડયા હતા અને સ્કોરને ૫૦ને પાર પહોંચાડયો હતો. હાર્દિકે ચાર ચોગ્ગા અને આઠ છગ્ગા સાથે ૫૨ બોલમાં અણનમ ૮૭ રન ફટકાર્યા હતા. હાર્દિક અને અભિનવ મનોહર (૨૮ બોલમાં ૪૩)ની જોડીએ ૫૫ બોલમાં ૮૬ રનની ભાગીદારી કરી હતી.
મનોહર આઉટ થયા હાર્દિક સાથે જોડાયેલા મીલરે પણ ધૂમ મચાવી હતી. તેમણે ૨૫ બોલમાં અણનમ ૫૩ રન ફટકાર્યા હતા. મીલરે ૧૪ બોલમાં પાંચ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૩૧ રન નોંધાવ્યા હતા.
