કુલદીપ સેને છેલ્લી ઓવરમાં ત્રણ ડોટ બોલ નાંખવા સાથે માત્ર ૧૧ રન જ આપતાં રાજસ્થાન રોયલ્સે લખનઉ સામે ૩ રનથી દિલધડક વિજય મેળવ્યો હતો. આખરી ઓવરમાં લખનઉને ૧૫ રનની જરુર હતી. ત્યારે અવેશે પહેલા બોલે ૧ રન લીધો હતો. જે પછી સેનના ૩ બોલ પર સ્ટોઈનીસ રન લઈ શક્યો નહતો. સ્ટોઈસે આખરી બે બોલ પર અનુક્રમે ચોગ્ગો અને છગ્ગો ફટકાર્યો હતો, પણ ત્યારે ઘણું મોડું થઈ ચૂક્યું હતુ અને ૧૬૬ના ટાર્ગેટ સામે લખનઉ ૧૬૨/૮ના સ્કોર સુધી જ પહોંચી શક્યું હતુ.
જીતવા માટેના ૧૬૬ના ટાર્ગેટનો પીછો કરતાં લખનઉએ આઘાતજનક શરૃઆત કરી હતી અને એક તબક્કે તેઓ ૧૪/૩ પર ફસડાયા હતા. ડી કૉકે ૩૯, હૂડાએ ૨૫ અને કૃણાલે ૨૨ રન કર્યા હતા. આખરે સ્ટોઈનીસ ૧૭ બોલમાં અણનમ ૩૮ રન નોંધાવવા છતાં ટીમને જીતાડી શક્યો નહતો. અવેશ ૨ બોલમાં ૭ રને અણનમ રહ્યો હતો. ચહલે ચાર વિકેટ ઝડપી હતી અને તે પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.
હેતમાયરના છ છગ્ગા અને એક ચોગ્ગા સાથેના ૩૬ બોલમાં અણનમ ૫૯ રનની મદદથી રાજસ્થાન રોયલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને જીતવા માટે ૧૬૬ રનનો પડકાર આપ્યો હતો. લખનઉ તરફથી ગોવ્થમે ૩૦ રનમાં બે વિકેટ ઝડપી હતી. રાજસ્થાનના બેટ્સમેન અશ્વિને ૨૩ બોલમાં ૨૮ રન કર્યા હતા અને મેચમાં આખરી ૧૧ બોલ બાકી હતા, ત્યારે તેણે અચાનક જ પેવેલિયન ભણી ચાલતી પકડી હતી અને તે રિટાયર્ડ આઉટ થયો હતો. ટીમની રનગતિ વધારવા માટે તે નવા બેટ્સમેનને તક આપવા માંગતો હોવાથી રિટાયર્ડ આઉટ થયો હતો, તેવી ચર્ચા ચાહકોમાં ચાલી હતી.
લખનઉની ટીમે ટોસ જીતીને પ્રથમ રાજસ્થાનને બેટિંગમાં ઉતાર્યું હતુ. રાજસ્થાનની શરૃઆત કંગાળ રહી હતી અને ૬૭ રનના સ્કોર સુધીમાં બટલર (૧૩), સેમસન (૧૩), પડિક્કલ (૨૯), ડુસેન (૪) પેવેલિયન ભેગા થઈ ગયા હતા. જોકે હેતમાયર અને અશ્વિનની જોડીએ ૫૧ બોલમાં ૬૮ રનની ભાગીદારી કરી હતી. હેતમાયર અને પરાગે ૯ બોલમાં ૨૮ રનની ભાગીદારી કરતાં ટીમને સન્માનજનક કહી શકાય તેવા સ્કોર સુધી પહોંચાડી હતી. ગોવ્થમે ૩૦ રનમાં અને હોલ્ડરે ૫૦ રનમાં ૨-૨ વિકેટ ઝડપી હતી.
