યુનિ.પરીક્ષાઓ ગેરરીતિઓ ફ્લાઈંગ સ્કવોડ જ નથી મોકલાતી

 


ઓબ્ઝર્વર આડેધડ મોકલવામા આવે છે

લૉના આઠ વિદ્યાર્થીઓ પાસે કાપલી મળતા કોપી કેસઃ ભેદભાવભરી નીતિની ફરિયાદ

અમદાવાદ

ગુજરાત યુનિ.ની હાલ લૉના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ ચાલી રહી છે ત્યારે પરીક્ષાઓમાં ટ્રેનિંગ વગરના અને લાઈબ્રેરિયન હોય તેવા પણ ઓબ્ઝર્વર મોકલી દેવાની અને ગેરરીતિઓ પકડવા ફ્લાઈંગ સ્કવોડ જ મોકલાતી ન હોવાની ફરિયાદો ઉઠી છે.એલએલબી સેમેસ્ટર-છની પરીક્ષામાં એક સેન્ટરમાં ૩૫૦થી વધુ વિદ્યાર્થી પાસેથી કાપલીઓ મળી હતી પરંતુ તેઓની સામે કોઈ કોપી કેસ કરાયા ન હતા કારણકે તેઓએ પરીક્ષા શરૃ થતા પહેલા કાપલીઓ જમા કરાવી હતી.જ્યારે આજે સેમેસ્ટર-૪ની પરીક્ષામાં આઠથીદસ વિદ્યાર્થીઓ પાસેથી કાપલી મળતા તેઓની સામે કોપી કેસ કરવામા આવ્યા હતા અને પરીક્ષા આપવા દેવાઈ ન હતી.જેથી આ મુદ્દે એનએસયુઆઈ દ્વારા યુનિ.ના પરીક્ષા વિભાગ સામે ભેદભાવભરી નીતિ અને નિયમો તમામ માટે સરખા ન લાગુ કરાતા હોવાની ફરિયાદ કરવામા આવી છે.આ ઉપરાંત યુનિ.દ્વારા બે વર્ષથી પરીક્ષાઓમાં ફ્લાઈંગ સ્કવોડ જ મોકલવાનું બંધ કરી દેવાયુ છે.અગાઉ ફ્લાઈંગ સ્ક્વોડ મોકલવામા આવતી અને ગેરરીતિઓ પકડાતી તેમજ વિદ્યાર્થીઓ પણ પરીક્ષામાં ચોરી કરતા ડરતા હતા.