ખેડૂતોમાં આનંદની લાગણી:થરાદ પંથકની મુખ્ય અને માઈનોર નહેરમાં પાણી આવતાં ખેડૂતો ખુશ

થરાદ

ખેડૂતોની માંગણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા નર્મદાની મુખ્ય નહેરમાં પાણી છોડવામાં આવતા ખેડૂતોએ ઘાસચારા માટે સિંચાઈની કામગીરી આરંભી હતી.કેનાલમાં બંધ કરેલું પાણી છોડવાના કારણે ખેડૂતોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. થરાદ-વાવ પંથકમાંથી પસાર થતી નર્મદાની મુખ્ય નહેરમાં પાણીની અછતને લઇને સરકાર દ્વારા ખેડુતોને સિંચાઈ માટે પાણી આપવાનું 31 માર્ચથી બંધ કરવામાં આવ્યું હતું. જેની વચ્ચે ભાજપ કોંગ્રેસના સ્થાનિક નેતાઓ દ્વારા સરકારમાં પાણી માગ અંગે ખેડુતોની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. બીજી બાજુ ગર્ભિત રીતે લાખણી પંથકના ખેડુતોએ મહિલાઓ સાથે આવેદન આપી આગામી મોટા કાર્યક્રમ વિરોધ પ્રદર્શન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.જેની વચ્ચે શંકરભાઈ ચૌધરી અને બનાસકાંઠાના સાંસદ પરબતભાઇ પટેલે પ્રયાસો કરીને રાજ્ય સરકાર તેમજ નર્મદા ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરાતાં તા.30 એપ્રિલ સુધી ખેડુતોને ઘાસચારા માટે પાણી છોડવામાં આવ્યું હતું.સરકાર દ્વારા પંદર દિવસ માટે પાણી છોડવામાં આવતા ખેડુતોમાં હરખ સાથે આનંદની લાગણી પ્રસરી છે.