થરાદથી ગ્રામીણ વિસ્તારોમાં જતી પાણીની પાઇપ લાઈનોમાં તોડફોડ કરી ગેરકાયદે જોડાણ કરી ખેતી તેમજ કોમર્શિયલ ઉપયોગ માટે પાણીનો ઉપયોગ કરતા ખેડૂતોના કારણે છેવાડાના ગામોને પાણી પુરતું નહીં પહોંચતું હોવાની માહિતી અવાર-નવાર પાણી પુરવઠા બોર્ડના કર્મચારીઓ અને એજન્સીના માણસોને મળતી હતી. જેને લઇ બુધવારે પાણી પુરવઠા દ્વારા તપાસ હાથ ધરતાં થરાદના સવપુરા, હાથાવાડા, માંગરોળ અને ભોરડુના સાત ખેડૂતો સામે પોલીસ ફરિયાદ નોંધાઇ હતી.
ભાપીથી સવપુરા, ભાપીથી હાથાવાડા, હાથાવાડાથી માંગરોળ તથા ભોરડુથી ગગાણા જતી પાણી પુરવઠાની પીવાના પાણીની સરકારી પાઇપલાઇનમાંથી અંગત સ્વાર્થ હેતુથી તોડફોડ કે પાઇપલાઇનમાં ચેડાં કરી ગેરકાયદેસર જોડાણ કરી કોમર્શિયલ તથા ખેતી કામ તથા કુવા રિચાર્જ કરવામાં પાણી મેળવીને ગુનો કરવા બદલ સાત ખેડુતો સામે જુથ યોજનાની મરામત તેમજ નિભાવણીની કામગીરી કરતી એજન્સીના સુપરવાઇઝર દીપાભાઇ હરચંદભાઈ પટેલ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ કાર્યવાહીમાં પાણી પુરવઠા કારકુન કરશનભાઇ બોડાણા, રેવન્યુ તલાટી જગદીશભાઇ પટેલ, પોલીસ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ અને લેબર ટીમના માણસોને હાજર રહ્યા હતા.
આમની સામે ફરિયાદ
1. પ્રકાશભાઇ રવજીભાઇ પટેલ (રહે.સવપુરા,તા.થરાદ)
2. પ્રભુભાઇ ભાવાજી પરમાર
3. અંતરશા જીવાશા પઠાણ
4. જુમાશા રાપુશા જુનેજા
5. મોમુશા સધીકશા પઠાણ (તમામ રહે.હાથાવાડા,તા.થરાદ)
6. નાનજીભાઇ રૂડાભાઇ લુહાર (રહે.માંગરોળ,તા.થરાદ)
7. પીરાભાઇ નાગજીભાઇ પટેલ (રહે.ભોરડુ,તા.થરાદ)
પ્રજાને પીવાના પાણીનાં ફાંફાં, જ્યારે સરકારી પાણીથી પિયત અને રિચાર્જ
છેવાડાના ગામોમાં પશુઓ અને ગ્રામજનોને પીવાના પાણીનો વિકટ પ્રશ્ન ઉભો થવા પામ્યો છે. ત્યારે પ્રકાશભાઇ પટેલ સવપુરા દુધ મંડળીના વપરાશ માટે, પ્રભુભાઇ પરમાર ટ્યુબવેલ બોરને તેમજ અંતરશા પઠાણ અને મોમુશા પઠાણ કુવાને રિચાર્જ તથા જુમાશા જુનેજા, નાનજીભાઇ લુહાર અને પીરાભાઇ પટેલ ખેતી પાકનું પિયત કરતા હતા.