નરેશ પટેલે કહ્યું- પ્રશાંત કિશોર મારા સારા મિત્ર, હું રાજકારણમાં જોડાઇશ તો મારા સપોર્ટમાં રહેશે, પારદર્શક રાજનીતિ કરીશ
રાજકોટના કાગવડ સ્થિત ખોડલધામમાં આજે અલગ અલગ ચાર બેઠક યોજાઇ રહી છે, જેમાં કોરોનાની ત્રીજી લહેરમાં મોકૂફ રાખવામાં આવેલી મહાસભા અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૌથી પહેલા ટ્રસ્ટીમંડળની બેઠક યોજાઇ હતી. આ બેઠક બાદ નરેશ પટેલે કહ્યું હતું કે, પ્રશાંત કિશોર મારા સારા મિત્ર છે, હું રાજકારણમાં જોડાઇશ તો મારા સપોર્ટમાં રહેશે. રાજકારણમાં આવીશ તો પારદર્શક રાજનીતિ કરીશ. ટ્રસ્ટીમંડળની બેઠક બાદ સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનની બેઠક મળી હતી. હવે ગુજરાતના કન્વીનરોની બેઠક યોજાવા જઈ રહી છે.
આ મહિનાના અંતમાં નિર્ણયની તારીખ જાહેર કરીશઃ નરેશ પટેલ
ટ્રસ્ટીમંડળની બેઠક પૂર્ણ થયા બાદ નરેશ પટેલે જણાવ્યું હતું કે, પ્રશાંત કિશોર મારા મિત્ર છે. ગઇકાલનો તેનો નિર્ણય અંગત નિર્ણય છે. કોંગ્રેસમાં નહીં જોડાઇ તેવું કહ્યું છે, પણ મારી સાથે તેઓ હમેંશ રહેશે. હું રાજકારણમાં જોડાઇશ તો એ મારા સપોર્ટમાં જ રહેશે. સર્વે પૂર્ણ થયો નથી પરંતુ સર્વે પૂર્ણતાના આરે છે. અત્યારસુધી સર્વેમાં વડીલો મારી ચિંતા કરે છે કે, રાજકારણમાં ન જોડાવ. પરંતુ યુવાનો ઈચ્છે છે કે, હું રાજકારણમાં જોડાવ. આ મહિનાના અંતમાં હું તારીખ જાહેર કરીશ અને એ તારીખે હું મારો નિર્ણય જાહેર કરીશ, હવે જાજો સમય નહીં લઉં.
શ્રાવણ મહિના આસપાસ મહાસભા યોજાવાની શક્યતા
નરેશ પટેલે વધુમાં જણાવ્યું હતું કે, બેઠકમાં મહાસભાની પણ ચર્ચા થઈ હતી. પરંતુ હાલ ગરમી બહુ પડે છે એટલે લોકોને અગવડતા પડે. વાતાવરણ ઠંડુ થાય ત્યારે મહાસભા યોજવા નિર્ણય કર્યો છે. શ્રાવણ મહિનાની આસપાસ તારીખ જાહેર કરવા નક્કી કરવામાં આવ્યું છે.
IBના અધિકારીઓની આજની બેઠકમાં હિલચાલ પર નજર
નરેશ પટેલના રાજકારણના પ્રવેશ પર સૌ કોઈની મીટ છે. ખોડલધામમાં યોજાઇ રહેલી બેઠકો પર IB સહિતની એજન્સીઓની પણ નજર છે. સ્ટેટ IBના અધિકારીઓ અને કર્મચારીઓ પણ ખોડલધામ પહોંચ્યા છે. IB આજની બેઠકોમાં થતી હિલચાલને લઇ રિપોર્ટ સરકારને આપશે. ખોડલધામમાં યોજાઇ રહેલી બેઠકોમાં કોણ કોણ ઉપસ્થિત છે અને શું શું ચર્ચાઓ થઇ રહી છે તે અંગેનો રિપોર્ટ સરકારને સુપરત કરશે.
ટ્રસ્ટના જે વિચારો હશે તેની આપ-લે થશેઃ નરેશ પટેલ
ટ્રસ્ટીમંડળની બેઠક પહેલા નરેશ પટેલે જણાવ્યું હતું કે, જે રૂટિન બેઠક છે તે આજની છે. જેમાં ટ્રસ્ટની આગળની કાર્યવાહી હશે, ટ્રસ્ટના જે વિચારો હશે તેની આપ-લે થશે. રાજકીય અવઢવ સર્જાઇ છે તેવા મીડિયાના સવાલના જવાબમાં નરેશ પટેલે જણાવ્યું હતું કે, હું બેઠક પુરી કરીને આપની સમક્ષ આપના બધા સવાલોના જવાબ આપીશ.
બેઠકમાં રાજકારણની ચર્ચા નહીંઃ ખોડલધામના પ્રવક્તા
જોકે, ખોડલધામ સમિતિના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ જણાવ્યું હતું કે, આજની બેઠક રૂટિન છે, જેમાં રાજકારણની ચર્ચા કરવામાં આવશે નહીં. નરેશ પટેલ રાજકારણમાં જોડાશે કે નહીં તે અંગે પણ આજે જાહેરાત કરવામાં આવશે નહીં. હજી સર્વે બાકી હોવાથી રાજકારણમાં જોડાશે કે કેમ તે અંગે કોઇ સ્પષ્ટતા આજની બેઠક બાદ થશે નહીં.
પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ફગાવી
ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં પ્રવેશ અંગે સર્વે હજુ ચાલુ છે અને એ પૂર્ણ થયા બાદ ટ્રસ્ટીમંડળની બેઠકમાં તારણો કાઢવામાં આવશે. પ્રશાંત કિશોરે કોંગ્રેસની ઓફર ફગાવી દીધા બાદ નરેશ પટેલ કોંગ્રેસ કે અન્ય પાર્ટીમાં જોડાશે કે કેમ એના પર સૌની મીટ મંડાયેલી છે.
બેઠકનો કાર્યક્રમ
11:00થી 11:30- ખોડલધામ મંદિર ટ્રસ્ટની બેઠક
11:30થી 12:00- સરદાર પટેલ કલ્ચર ફાઉન્ડેશનની બેઠક
12:00થી 12:30- સોમનાથ લેઉવા પટેલ અતિથિ ભવનના ટ્રસ્ટીઓની બેઠક
12:30થી 01:00- ઓલ ગુજરાતના કન્વીનરોની બેઠક
સર્વેનો રિપોર્ટ હાઇકમાન્ડને સોંપવામાં આવશે
સર્વેમાં યુવાનોનું મંતવ્ય છે કે નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ. બીજી તરફ પાટીદાર આગેવાનો જણાવી રહ્યા છે કે નરેશ પટેલની સમાજકાર્યમાં જરૂર છે, આથી તેમણે રાજકારણમાં જોડાવવું ન જોઈએ. હાલ ખોડલધામના ચેરમેન નરેશ પટેલના રાજકારણમાં જોડાવા અંગે વિરોધાભાસી નિવેદનોથી ભારે ચર્ચાઓ શરૂ થઈ છે. કાગવડ સ્થિત ખોડલધામ ટ્રસ્ટના પ્રવક્તા હસમુખ લુણાગરિયાએ ગઈકાલે નિવેદન આપતાં જણાવ્યું હતું કે રમેશ ટીલાળાએ આપેલું નિવેદન તેમનું અંગત નિવેદન છે. સર્વેનો રિપોર્ટ હજુ આવ્યો નથી, રિપોર્ટ હાઇકમાન્ડને આપવામાં આવશે. હજુ સુધી સત્તાવાર રિપોર્ટ આવ્યો નથી. ખાસ તો યુવાનોનું એવું કહેવું છે કે નરેશ પટેલે રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ.
સર્વેમાં શું સામે આવે એના પર સૌકોઇની નજર
ઉલ્લેખનીય છે કે રમેશ ટીલાળા નરેશ પટેલની અંગત વ્યક્તિઓમાંની એક છે અને તેઓ ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટી પણ છે. ત્યારે રમેશ ટીલાળાના નિવેદનને પ્રવક્તાએ અંગત નિવેદન ગણાવ્યું છે, પરંતુ તેના નિવેદનને નકારી શકાતું નથી. આ મતમતાંતર બાદ ખોડલધામના સર્વેમાં શું સામે આવે એના પર સૌકોઈની નજર છે.