નડાબેટ ખાતે રામનવમીનો ભાતીગળ લોકમેળો

સુઇગામ,

સુઇગામના નડાબેટ ખાતે આવેલ શ્રી નડેશ્વરી માતાજીના ઐતિહાસિક મંદિરે છેલ્લા 33 વર્ષથી રામનવમીના દિવસે ભાતીગળ લોકમેળો ભરાય છે. ભારત-પાક. આંતરરાષ્ટ્રીય સરહદ નજીક આવેલ આ ઐતિહાસિક શ્રી નડેશ્વરી માતાજી સરહદી લોકોમાં પણ આસ્થાનું કેન્દ્ર છે. જ્યાં રામનવમીના ભરાતા ભાતીગળ લોકમેળામાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે, પરંતુ છેલ્લા 2 વર્ષથી કોરોનાના કારણે મેળો બંધ રખાયો હતો. જે ત્રીજા વર્ષે રવિવારે ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા મેળાનું આયોજન કરાયું હતું.

શ્રી નડેશ્વરી માતાજીના મંદિરમાં દર્શનાર્થીઓની ભારે ભીડ જોવા મળી હતી. દુરસુદુરથી દર્શન કરવા આવતા ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા એટલા અધીરા બન્યા હતા કે મંદિરના બહારના ગેટથી લગભગ 100 મીટર થી વધુ બહોળી સંખ્યામાં ઉપસ્થિત ભાવિક ભક્તોની કતારો જામી હતી. આમ હજારોની સંખ્યામાં હૈયે હૈયું દળાય તેવી જનમેદની ઉમટી પડતાં રણમાં મંગલ જેવો માહોલ જોવા મળ્યો હતો.

કેન્દ્રીય ગૃહમંત્રીના કાર્યક્રમને લઈ ટ્રાફિકજામ
રામનવમીના લોકમેળાના દિવસે જ 125 કરોડના ખર્ચે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા નવ નિર્મિત બોર્ડર ટુરિઝમનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો લોકાર્પણનો કાર્યક્રમ હોઈ તેમની હાઈ પ્રોફાઈલ સિક્યુરિટીને ધ્યાને રાખી સઘન બંદોબસ્ત હોઈ તેમના આગમન સમયે રસ્તો બ્લોક કરી દેતા નડાબેટ મેળામાં આવતા હજારો વાહન ચાલકો અટવાઈ ગયા હતા.

પોલીસે વાહનો રોકતાં લોકો દીવાલ કુદી રણમાં ચાલતી પકડી
કેન્દ્રીય ગૃહમંત્રી શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આગમન સમયે પોલીસે થોડા સમય માટે રસ્તો બંધ કરતા હજારો વાહન ચાલકો અટવાઈ પડ્યા હતા. તેમાંથી મહિલાઓ, બાળકો સહિત કેટલાક લોકોએ ટુરિઝમ પાછળની દીવાલ જીવના જોખમે કુદી રણમાંથી મંદિર તરફ ચાલતી પકડી હતી. ટુરિઝમથી લગભગ એક કી.મી. દૂર આવેલ નડેશ્વરી માતાજીના મંદિરે કાળઝાળ ગરમીમાં ચાલતા જવું પડ્યું હતું.