પાટણમાં ગુજરાત સ્થાપના દિવસની જાજરમાન ઉજવણી માટે તડામાર તૈયારીઓ શરૂ


પાટણ,

ઐતિહાસિક પાટણનગરમાં ગુજરાત રાજયના ગૌરવવંતા સ્થાપના દિવસની રાજયકક્ષાની જાજરમાન ઉજવણીને લઇ અંતિમ તૈયારીઓને આખરી સ્વરુપ આપવામાં આવી રહયું છે. પાટણ યુનિવર્સિટી અને કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર વિવિધ કાર્યક્રમો માટે ત્રણ વિશાળ સમીયાણા તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં VVIP, VIP બેઠક સહિત આમ પ્રજાજનો માટેની 5 હજાર થી વધુ લોકો બેસી શકે તેવી બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. 1 લી મે ગુજરાતના 62માં સ્થાપના દિવસની ઉજવણી મહામહિમ રાજયપાલ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિ વચ્ચે યોજાશે. ત્યારે આ દિવસે યોજાનાર કાર્યક્રમોની રૂપરેખા પર એક નજર કરીએ તો સવારે 10 કલાકે યુનિવર્સિટીના હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે મુખ્યમંત્રી આગમન કરશે. 10-15 કલાકે સરસ્વતી તાલુકા ના ચોરમારપુરા ખાતે રૂા. 110 કરોડના ખર્ચે નિર્માણ થયેલ સાયન્સ મ્યુઝિયમ સેન્ટરનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરશે અને 10-30 કલાકે મુખ્યમંત્રી ડાયનાસોર અને ઇન્ડોર ગેલેરીની મુલાકાત કરશે. ત્યારબાદ તેઓ યુનિવર્સિટીના સભા ગ્રાઉન્ડ ખાતે આગમન કરશે. જયાં પ્રાર્થના, દિપપ્રાગટય, સ્વાગત પ્રવચન, મહાનુભાવોનું સન્માન, પ્રભારીમંત્રીનું ઉદ્બોધન, અને 11-30 કલાકે મુખ્યમંત્રી દ્વારા અતુલ્ય વારસો પુસ્તકનું વિમોચન કરવામાં આવશે. તેમજ વિકાસના વિવિધ પ્રકલ્પોનું ઇ લોકાર્પણ અને ખાતમુર્હુત મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવશે. આ ઉપરાંત લાભાર્થીઓને યોજનાકીય લાભોનું વિતરણ કર્યા બાદ મુખ્યમંત્રી સભાને સંબોધશે. તો સાંજે 5 કલાકે મુખ્યમંત્રી અને રાજ્યપાલ ની ઉપસ્થિત માં પી કે કોટાવાલા કોલેજ ગ્રાઉન્ડ ખાતે ડોગ શો, સાંસ્કૃતિક કાર્યક્રમ, અશ્વ શો અને બેન્ડ ડિસપ્લે જેવા 35 મિનીટના કાર્યક્રમો યોજાશે. ત્યારબાદ સાંજના 6 કલાકે મુખ્યમંત્રી અને રાજ્યપાલ ગ્રાઉન્ડના કાર્યક્રમ સ્થળે આગમન કરશે. જયાં રાજયપાલ મહામહિમનું બ્યુગલો દ્વારા સ્વાગત તેમજ પાઇપ બેન્ડ અને અશ્વ દળે એસ્કોટ કરી તેમને સ્ટેજ તરફ લઈ જશે. જયાં મુખ્યમંત્રી દ્વારા રાજયપાલનું સ્વાગત કરવામાં આવશે. જયારે 6-15 કલાકે રાજયપાલ તેમજ મુખ્યમંત્રીને પોલીસ બેન્ડ દ્વારા રાષ્ટ્રગાન અને પરેડ કમાન્ડર દ્વારા રીપોટીંગ કરી સલામી આપવામાં આવશે. તો 6-30 કલાકે રાજયપાલ અને મુખ્યમંત્રી પરેડનું નિરીક્ષણ કરશે. મહિલા દ્વારા રાઇફલ ડ્રિલ, મોટર સાયકલ સ્ટંટ શો યોજાશે સમગ્ર કાર્યક્રમને નિહાળવા માટે યુનિવર્સિટીમાં બે વિશાળ સમીયાણા તેમજ 5000 થી વધુ લોકો કાર્યક્રમ નિહાળી શકે તેવી બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આ ઉપરાંત કોલેજ ગ્રાઉન્ડ ખાતે પણ એક વિશાળ સમીયાણો સહિત 4000 નાગરીકો માટે વિશેષ બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. તો આ કાર્યક્રમને લઈ જીલ્લા વહીવટીતંત્ર દ્વારા જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે જેમાં સવારે મુખ્યમંત્રી સાથે સચિવો, પ્રતિનિધિઓ, ચૂંટાયેલા ડેલીગેટો સહિત 500 વ્યકિતનું યુનિવર્સિટી ખાતે મણવાર યોજાશે. તો સિંધવાઇ માતાજી મંદિર સંકુલ ખાતે 4 હજારથી વધુ લોકો માટે જમવા ની વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે તંત્ર દ્વારા અંદાજીત રૂા. 5 થી 6 લાખની ફાળવણી કરવામાં આવી છે અને તે અંગે નું ટેન્ડર પણ પ્રસિસધ કરવામાં આવ્યું છે.

રેન્જ IG, 2 SP, 11 DYSP, 19 PI, 122 PSI, 1650 પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં તૈનાત

1 લી મે પાટણ શહેરમાં ગુજરાતના 62 માં સ્થાપના દિવસની ભવ્ય ઉજવણીના સમારોહને લઈ જીલ્લા પોલીસતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. આ કાર્યક્રમના દિવસે શહેરમાં સલામતી, શાંતિ અને કાયદો વ્યવસ્થા જળવાય તે માટે પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જે અંગેની માહિતી આપતા જિલ્લા SP વિજય પટેલે જણાવ્યું હતું કે, પાટણમાં યોજાનાર રાજય કક્ષાના સ્થાપના દિનની ઉજવણીને લઇ કચ્છ ભુજ રેન્જ IGની અધ્યક્ષતામાં 2 SP , 11 DYSP, 19 PI, 122 PSI તેમજ 1650 પોલીસ કર્મચારીઓ સુરક્ષા માટે તૈનાત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જીલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર ત્રિ દિવસીય શસ્ત્ર પ્રદર્શન તા. 29 એપ્રિલના રોજ આમ નાગરીકો માટે ખુલ્લુ મુકવામાં આવશે. તો પહેલી મે ના રોજ મહામહીમ રાજયપાલ અને મુખ્યમંત્રી આ શસ્ર પ્રદર્શનની મુલાકાત લેશે.