પુણે
પંજાબ કિંગ્સની ટીમ શુક્રવારે આઈપીએલ 2022ના મુકાબલામાં જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ સામે ઉતરશે ત્યારે તેમની સામે જૂના સાથી અને હાલ શ્રેષ્ઠ ફોર્મમાં રહેલા કે એલ રાહુલને અંકુશમાં રાખવાનો પડકાર રહેશે. રાહુલ પણ જૂની ટીમ પંજાબ સામે જીતના ઈરાદા સાથે ઉતરશે. લખનૌની ટીમ હાલમાં પોઈન્ટ ટેબલમાં 10 અંક સાથે ચોથા ક્રમે છે. તેણે આઠમાંથી પાંચમાં જીત મેળવી છે અને ત્રણમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે પંજાબની ટીમ આઠ મેચમાં ચારમાં જીત અને તેટલી જ હાર સાથે આઠ પોઈન્ટ સાથે છઠ્ઠા ક્રમે છે. સુપરજાયન્ટ્સે ગત મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 36 રનથી હરાવ્યું હતું જ્યારે પંજાબે પણ ગત મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને 11 રને હરાવતા ટીમના વિશ્વાસમાં વધારો થયો છે. લખનૌનો સુકાની રાહુલ આ વર્ષે આઈપીએલમાં મુંબઈ ઈન્ડિયન્સ સામે બે સદી અને એક અડધી સદી ફટકારી ચૂક્યો છે. રાહુલ 368 રન સાથે આઈપીએલમાં જોશ બટલર બાદ બીજો સૌથી સફળ બેટ્સમેન છે. પંજાબ પાસે દક્ષિણ આફ્રિકાના ઝડપી બોલર રબાડા જેવા શ્રેષ્ઠ પેસર છે. આ ઉપરાંત ડેથ ઓવર એક્સપર્ટ અર્શદીપ અને ઋષિ ધવન પણ પંજાબ પાસે છે. રાહુલ ચાહર 10 વિકેટ મેળવીને પંજાબનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે પરંતુ આ વર્ષે તેનો દેખાવ અપેક્ષા મુજબ નથી રહ્યો. એમસીએ સ્ટેડિયમની પીચમાં મોટા સ્કોર નોંધાયા હોવાનું અગાઉ જોવા મળ્યું છે. પંજાબના ઓપનર શિખર ધવને ગત મેચમાં ચેન્નાઈ સામે મજબૂત બેટિંગ કરી હોવાથી તેની પાસેથી વધુ એક વિસ્ફોટક પારીની અપેક્ષા રહેશે. પુણેમાં સાંજે 7.30થી પંજાબ અને લખનૌની ટીમ આમને-સામને થશે.
