થરાદ પંથકમાં નર્મદા મુખ્ય કેનાલમાં કોંક્રિટ પ્લાસ્ટરની કામગીરી જોખમી


કેનાલ નીચી હોવાના કારણે ખેડૂતોની જમીનોમાં પાણી સરવાણી બન્યાં હતાં...

થરાદ, 

નર્મદા મુખ્ય કેનાલ નજીક આવેલા થરાદના વામી, ખાનપુર સહિત અનેક ગામોમાં પાણીનાં તળ ઉંચાં આવતાં જમીનમાં માત્ર એકથી બે ફુટ ખાડો ખોદવાથી અનેક જગ્યાએ પાણી નિકળતાં હાલાકી ઉભી થવા પામી હતી. જો કે નર્મદા વિભાગ દ્વારા પંથકમાં જ્યાં જ્યાં પણ કેનાલ નિચાણવાળા ભાગમાં છે ત્યાં પાંચ મીટર સુધી કોક્રીટ પ્લાસ્ટરની કામગીરી હાથ ધરવામાં આવી છે. થરાદ પંથકમાં સર્વે કરીને જે પણ નિચાણવાળા ભાગોમાંથી કેનાલ પસાર થાય છે ત્યાંથી ભુગર્ભ જળ સરવાણી થતું અટકાવવા માટે ઠેકઠેકાણે કોક્રિટ પ્લાસ્ટર કરવાની કામગીરી હાથ ધરાઈ હતી. કોન્ટ્રાક્ટર ભેમારામ જાટે જણાવ્યું હતું કે, કેનાલથી પાંચ મીટર આ કામગીરી હાથ ધરી હતી.જેના કારણે કેનાલમાંથી પાણી શોષાતું અટકયું છે.જો કે કેનાલમાંથી ભુગર્ભ જળ રિચાર્જ થવાં જરૂરી હોઇ કેનાલમાં સળંગના બદલે ઉંચાણવાળા ભાગોમાં આ કામગીરી અમુક અંતર રાખીને કરવામાં આવી રહી છે.

કિનારી પર શ્રમિકોની જોખમી કામગીરી
થરાદની નર્મદા કેનાલમાં પાણીનું વહેણ સરકારે સિંચાઇ માટે પાણી આપવાનું બંધ કર્યા બાદ પુનઃચાલુ કરતાં ફરી વધવા પામ્યું હતું. જો કે પાણીનો પ્રવાહ વધારે હોય કે ઓછું તેનો કોઇ જ ફરક પડતો ન હોય તેમ મહિલાઓ અને કારીગરો બિંદાબસ્તપણે માલ ભરેલાં તગારાં લઇને અવરજવર કરતા હતાં.આથી તેમનો પગ લપસવાથી પડી જવાથી તેમની સાથે દુર્ઘટના સર્જાવાની પણ દહેશત ઉઠવા પામી હતી.