વાવ
સરહદી વાવ, થરાદ અને સુઈગામ પંથકને નર્મદાની મુખ્ય કેનાલમાંથી ડાયરેક્ટ સમર્શિબલ મોટર દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે ત્યારે કેનાલમાં અમુક સમયે નીલગાય,ભૂંડ સહિત માનવ મૃતદેહો પણ મળી આવતા હોય છે જેને લઈ કેનાલના પાણીને કારણે લોકોનું આરોગ્ય જોખમમાં મુકાઈ રહ્યું છે ત્યારે કાળઝાળ ગરમીમાં રાજ્ય સરકારની શુદ્ધ પીવાનું પાણીની માત્ર વાતો જ થઈ રહી હોય તેવું જણાઈ રહ્યું છે.
વાવ અને સુઈગામ પંથકને અનેક વર્ષો પછી પણ આજે નર્મદાની મુખ્ય કેનાલમાંથી ફિલ્ટર પ્લાન્ટમાં નાખ્યા વગર સીધુ જ પાઇપલાઇન મારફતે પાણી આપવામાં આવી રહ્યું છે ત્યારે કેનાલમાંથી અનેક વખત ડહોળું પાણી પણ આવે છે જેમાં કેટલીક વાર તો ઊંટ, નીલગાય સહિત માનવ મૃતદેહો પણ કેનાલમાંથી તરતા મળી આવે છે જેને લઈ આ પાણી કોરોનાની ગંભીર બીમારીમાં લોકોનાં આરોગ્ય માટે ખતરારૂપ બને તો નવાઈ નહિ ખાસ કરીને આમ તો અધિકારીઓ દ્વારા કેનાલમાંથી પાણી લઈને ફિલ્ટર પ્લાન્ટમાં નાખીને આસપાસના ગામોને આપવામાં આવતું હોય છે પરંતુ સીધુ પાણી આપવામાં આવતા આજે અનેક લોકો પાણી જન્ય રોગોથી પીડાઈ રહ્યાં છે જેમાં ઘૂંટણમાં દુઃખાવો થવો, પગ ભરાઈ જવા, પેટમાં પથરી સહિતના પાણી જન્ય રોગોમાં વધારો થતો જઈ રહ્યો છે જેને લઈ જવાબદાર તંત્ર દ્વારા ફિલ્ટર પ્લાન્ટમાં પાણી નાખીને પીવાનું શુદ્ધ પાણી આપવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠવા પામી છે
ઉલ્લેખનીય છે કે સરહદી થરાદ, વાવ અને સુઈગામનાં વિસ્તારમાં ૧૧ વર્ષથી પાણી પુરવઠા વિભાગ દ્વારા પીવા માટે નર્મદાનું પાણી પહોંચાડવામાં આવે છે તો નર્મદાની મુખ્ય કેનાલમાંથી થરાદ,વાવ અને સુઈગામ વિસ્તારમાં પહોંચાડવામાં આવે છે.
પાણીને ગરમ કરીને કે ઉકાળીને પીવું જોઈએ
આ અંગે એમ.ડી.પીડિયાટ્રીક ડો.આશિષ પટેલે જણાવ્યું હતું કે નર્મદાની મુખ્ય કેનાલમાંથી આવતું પાણી ગરમ કરીને ઉકાળીને પીવાથી અનેક રોગો સામે રક્ષણ મેળવી શકાય છે અને શરીરમાં આવતાં અનેક રોગમાંથી મોટા ભાગનાં રોગ પાણીજન્ય હોવાથી તેમાંથી ઝાડા,ઉલટી કોલેરિયા, ટાઈફોઈડ, પીળિયો, જેવી અનેક બીમારીઓ થાય છે.જેથી લોકોને જાગૃત બનીને કેનાલ મારફત આવતું પાણીને ગરમ કરી ઉકાળીને જ પીવું જોઈએ જેથી અનેક રોગો સામે બચી શકાય.
