થરાદના લુણાવામાં આંગણવાડી કેન્દ્ર દ્વારા દવાઓ સળગાવી દેવાઈ


 દવાઓ એક્સપાયર્ડ નહીં હોવા છતાં પણ જાહેરમાં નાશ કરાતાં ચર્ચાઓ

થરાદ, 

થરાદના લુણાવામાં આવેલા આંગણવાડી કેન્દ્ર દ્વારા ગામમાં દવાઓનો જથ્થો સળગાવવામાં આવ્યો હતો. જેમાં અમુક દવાઓ એક્સપાયર્ડ નહી હોવા છતાં પણ સળગાઇ દેવાતાં ચર્ચાઓ ઉઠવા પામી હતી. આ અંગે સીડીપીઓએ તપાસ કરાશે તેમ જણાવ્યું હતું. લુણાવામાં આવેલા આંગણવાડી કેન્દ્ર દ્વારા ગુરુવારે કેટલોક દવાઓનો જથ્થો ખુલ્લામાં સળગાવી દિધો હતો. આ બાબતે ગ્રામજનોએ મિડીયાનું ધ્યાન દોર્યું હતું. જેની તપાસ હાથ ધરતાં કેટલીક દવાઓનો સમય પૂર્ણ થવામાં હજુ વાર હોવાનું પણ તારીખ પરથી પ્રતિત થતું હતું. તેમ છતાં પણ આવી રીતે દવાઓનો જથ્થો સળગાવવામાં આવતાં અનેક તર્કવિતર્કો ચર્ચાસ્પદ બન્યાં હતાં. જ્યારે આ અંગે ભણશાળી ટ્રસ્ટના સીડીપીઓ હરીબેન પટેલએ જણાવ્યું હતું કે ‘ટ્રસ્ટ દ્વારા તો કોઇ દવાઓ આપવામાં આવતી નથી. પરંતુ આરોગ્ય વિભાગ દ્વારા આંગણવાડી કેન્દ્રોને અમુક દવા-ગોળી આપવામાં આવતી હોય છે. જે એક્સપાયર્ડ થવાથી કદાચ સળગાવીને તેનો નિકાલ કર્યો હોય એમ બની શકે છે તેમ છતાં પણ આ બાબતે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવશે.