ડીસા
ડીસા તાલુકાના રામસણ ગામના બે ભાઈઓ દ્વારા ગાડી અડવાની અદાવતમાં લાકડી અને ધોકા વડે એક શખસ પર હુમલો કરી ઈજાઓ પહોંચાડી હતી. આગથળા પોલીસે બંને સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. સુથીયા ગામના દિનેશભાઈ ઠાકોર ડીસાથી ધાનેરા જતાં હતા. ત્યારે ડીસા તાલુકાના રામસણના પરખાભાઈ રબારીએ તેમની ગાડીને સહેજ ગાડી અડાડી હતી.જેથી દિનેશભાઇ ઠપકો આપ્યો હતો. તેની અદાવત રાખી પરખાભાઈ ભોમાભાઈ રબારી તથા તેમના ભાઇ વિરાભાઈ ભેમાભાઈ રબારીએ ચોરા ગામ નજીક દિનેશભાઇ ઠાકોરને અપશબ્દો બોલ્યા હતા. તેમજ ઉશ્કેરાઇને લાકડી તથા ધોકા વડે માથા અને બરડાના ભાગે માર માર્યો હતો. આથી હોબાળો થતાં નજીકમાંથી અન્ય વ્યક્તિઓએ દોડી આવીને વધુ મારમાંથી દિનેશભાઇને બચાવ્યા હતા. ઝપાઝપીમાં દિનેશભાઇનો સોનાનો જોલો ક્યાંક પડી ગયો હતો. ત્યારે ઇજાગ્રસ્તને ધાનેરા સરકારી હોસ્પિટલમાંથી વધુ સારવાર અર્થે ડીસા લઈ જવાયો હતો. આ બનાવની દિનેશભાઇના ભાઇ પીરાજી અણદાજી ઠાકોરએ આગથળા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં રામસણના બંને શખસો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
