ખોડાચેકપોસ્ટ,લાખણીના જાકોલ,શેરપુરા,બેવટા,ધુણસોલ,ખાનપુર સહિત સ્થળોએ પોલીસ રેડ કરી દારૂ ઝડપી શખ્સો સામે ગુનો નોંધ્યો.
થરાદ
થરાદ અને લાખણી પોલીસે બાતમીના આધારે વિદેશી દારૂનું વેચાણ તથા હેરાફેરી કરતા શખસો સામે કાર્યવાહી કરી હતી. જેમાં વિપુલભાઇ વિક્રમભાઇ દેવીપુજક અને કિશનભાઇ મંગાભાઇ દેવીપુજક (રહે.દેવીપુજકવાસ કુમાલી, તા.બાવળા, જી.અમદાવાદ ગ્રામ્ય) ને થરાદના ખોડાચેકપોસ્ટથી વાહનચેકીંગ દરમિયાન 18 બોટલ રૂ. 2430 તથા જીજે-38-બીએ-5428 નંબરની 2 લાખની કાર અને 10 હજારના બે મોબાઇલ તેમજ 700 રૂ. રોકડ મળીને કુલ રૂ. 2,13,130ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. જ્યારે લાખણીના જાકોલ ગામેથી વિષ્ણુજી નારણાજી ઠાકોરની ખેતરની દુકાનની બાજુમાં વિદેશી દારૂ વેચવાનો ધંધો કરવાની બાતમીના આધારે 2 બોટલ રૂ. 200 તથા ડીસા તાલુકાના શેરપુરા ગામના પીન્ટુભાઇ માંગીલાલ નાઇના ઘરેથી 7360 રૂપિયાની 63 બોટલ કબજે લીધી હતી. થરાદના બેવટા લવાણા (કળશ) રોડ પરથી ભેમભાઇ ધર્માભાઇ ઠાકોરની આરજે-46-5B-3123 નંબરના બાઇકમાંથી 40 બોટલ રૂ. 5350 તથા 30,000 મળીને કુલ રૂ. 35,350નો મુદ્દામાલ કબજે લીધો હતો. લાખણી તાલુકાના ઘુણસોલ ગામના દિનેશજી હજુરજી ઠાકોરના રહેણાંકના ઘરેથી જીલ્લાની એલસીબી પોલીસે 4300 રૂપિયાની 43 બોટલ કબજે લીધી હતી. તદુપરાંત વિષ્નુ ઉર્ફે વિષ્ણુ શંકરજી વજીર (રહે.ખાનપુર સીમ, તા.થરાદ) ના કબજામાંથી વિદેશી દારૂ રૂ.66,300 કબજે લીધી હતી. અત્યારે બેવટા રહેતા રાહ ગામના ભરતપુરી નરસેંગપુરી ગૌસ્વામી સ્મશાનભુમીના બાવળોમાં દારૂ રાખવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી. જોકે પોલીસને જોઇને ભરતપુરી નાસી છુટ્યો હતો. પોલીસે બાબુભાઇ આંબાભાઇ હડીયલ (રહે.વખારવાસ, તા.થરાદ) ને 10 બોટલ રૂ. 1350 સાથે ઝડપી લીધો હતો. જે ઘરે વિદેશી દારૂ રાખીને વેચાણ કરતો હતો.
