શિક્ષણ મંત્રીને દિલ્હીની સરકારી શાળાની મુલાકાત લેવા આમંત્રણ


 ગુજરાત,. 

દિલ્હીના શિક્ષણ મંત્રી મનીષ સિસોદિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી જિતુભાઈ વાઘાણી અને શિક્ષણ વિભાગના અધિકારીઓને દિલ્હીની સરકારી શાળાઓની મુલાકાત લેવા માટે લેખિત આમંત્રણ આપ્યું છે. જોકે, આમંત્રણ અંગે પૂછતા મંત્રી વાઘાણીએ તેનો ફક્ત ‘થેન્ક યુ’ કહીને પ્રતિભાવ આપ્યો હતો. ગુજરાતની ભાજપ અને દિલ્હીની આપ સરકાર વચ્ચે સરકારી શાળાઓની સ્થિતિને લઇને વિવાદ સર્જાયેલો છે.

આ સપ્તાહમાં સિસોદિયાએ ભાવનગરની સરકારી શાળાઓની મુલાકાત લઇને તે ભંગાર વાડા જેવી હોવાનો દાવો કર્યો હતો. હવે સિસોદિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, શિક્ષણ મંત્રી વાઘાણીને પત્ર લખીને રાજકીય બાબતોને બાજુએ રાખી ફક્ત થોડી ઘણી નહીં, પરંતુ દિલ્હીની તમામ સરકારી શાળાઓ સારી બનાવવાનું મોડલ કેવી રીતે બનાવાયું તે બાબત સમજવા દિલ્હીની મુલાકાત લેવા આમંત્રણ આપ્યું છે. તે અંગે સરકારના પ્રવક્તા મંત્રી વાઘાણીને પૂછતા તેમણે અન્ય કોઇ પ્રત્યુતર આપવાનું ટાળતા ફક્ત ‘થેન્ક યુ’નો જ જવાબ આપ્યો હતો. 

આપના ઇસુદાન ગઢવીએ આ મુદ્દે કહ્યું હતું કે, સિસોદિયાની ભાવનગરની મુલાકાત બાદ ૪૪ સ્કૂલ રિપેરીંગ કરાવવા તંત્ર દ્વારા નિર્ણય લેવાયાની વાત આવકારદાયક છે.   ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા ભગવાન શ્રીકૃષ્ણ અને બહેન સુભદ્રાજીના સંબંધને લઈને અપાયેલા વિવાદિત નિવેદન અંગે માફી માગે તેવી માગણી કરતા ભાજપના નેતાઓને જ્ઞાન મળે તે માટે આપના કાર્યકરો ભગવદ્દ ગીતા આપવાનો કાર્યક્રમ કરશે તેમ પણ જણાવ્યું હતું.