મોરેશિયસના વડાપ્રધાન અમદાવાદની મુલાકાતે, સાંસ્કૃતિક રોડ શો યોજાશે

 


  • મ્યુનિ.ના સાંસ્કૃતિક વિભાગે કલા-સંસ્કૃતિના 30 સ્ટેજ ઊભા કર્યાં

  • અમદાવાદમાં એરપોર્ટથી ઇંદિરાબ્રિજ સુધી સાંસ્કૃતિક રોડ શો યોજાશે

  • ગાંધીનગરની હોટેલ લીલકેપન્સીમાં રાત્રિ રોકાણ કરશે

     

મોરેશિયસના વડાપ્રધાન પ્રવિંદકુમાર જુગનાથ ભારતના એક સપ્તાહના પ્રવાસે આવી પહોંચ્યા છે. તેઓ મુંબઈથી રાજકોટની મુલાકાત બાદ આજે જામનગરથી વિમાન માર્ગે અમદાવાદ આવી પહોંચનાર છે. જેમાં હાંસોલ વિમાની મથકે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેનદ્ર પટેલ અને મેયર કિરીટ પરમાર તેમનું સ્વાગત કરશે.

મ્યુનિ.ના સાંસ્કૃતિક વિભાગે કલા-સંસ્કૃતિના 30 સ્ટેજ ઊભા કર્યાં

ત્યારબાદ વિમાની મથકની બહારના પ્રથમ સર્કલ તાજ ઉમેદ હોટેલ સર્કલથી શરૂ કરી ઇંદિરાબ્રિજ સુધીના લાંબા રૂટ પર અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન અને રાજ્યના રમતગમત સાંસ્કૃતિ વિભાગ દ્વારા ઊભા કરવામાં આવેલા 30 જેટલા સ્ટેજ પર વિવિધ રાજ્યના કલાકારો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તે કાર્યક્રમો મોરેશિયસના વડાપ્રધાન નિહાળીને ગુજરાતની કલા સંસ્કૃતિ-ગરબા રાસ વિગેરે વાકેફ થશે.

અમદાવાદમાં એરપોર્ટથી ઇંદિરાબ્રિજ સુધી સાંસ્કૃતિક રોડ શો યોજાશે

મોરેશિયસના વડાપ્રધાનને સત્કારવા યોજાયેલા આ સાંસ્કૃતિક રોડ શો માટેના 30 સ્ટેજ પૈકી 14 સ્ટેજનું આયોજન અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશન દ્વારા તથા 16 સ્ટેજનું આયોજન રાજ્યના રમતગમત સાંસ્કૃતિક વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ સ્ટેજ પર દેશના વિવિધ રાજ્યોના કલાકારો તેમના પ્રદેશના શાસ્ત્રીય અને લોકનૃત્યો રજૂ કરશે. જેમાં સૌથી મોખરે ગુજરાતના રાસ ગરબાની મંડળીઓ ભારે રમઝટ બોલાવશે. તો તામિલનાડુના કલાકારોની મંડળીઓ ભરતનાટયમ, મણિપુર કથ્થક, કથકલી જેવા શાસ્ત્રીય નૃત્યો પેશ કરશે.

ગાંધીનગરની હોટેલ લીલકેપન્સીમાં રાત્રિ રોકાણ કરશે

વડા પ્રધાન પ્રવિંદકુમાર પ્રથમવાર ગુજરાત અમદાવાદની મુલાકાતે આવી રહ્યા હોવાથી આ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ મંગળવારે ગાંધીનગરની હોટેલ લીલકેપન્સીમાં રાત્રિ રોકાણ કરશે અને બુધવારે સવારે સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લઈ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે.