થરાદમાં હાઈવે પર ખોદકામથી લાઇનો તૂટતાં સોસાયટીઓમાં પાણીની પારાયણ

 

થરાદ, 

થરાદ વિસ્તારમાં કોન્ટ્રાક્ટર દ્વારા હાઇવે પર આડેધડ ખોદકામ કરીને પાણીની પાઈપલાઈનો તોડવામાં આવતાં શહેરીજનોને ભર ઉનાળે પાણી માટે ભારે હાલાકી વેઠવાની નોબત આવી છે. લોકોને ન છુટકે પૈસા ખર્ચીને પાણી લાવવું પડતું હોવાથી ભારે આક્રોશની લાગણી પ્રસરવા પામી છે. થરાદ નગરના સાંચોર હાઇવે પરના પાણીના ઉંચા ટાંકીથી નર્મદા નહેર સુધી ફોરલેન રોડ મંજુર કરવામાં આવતાં કોન્ટ્રાક્ટ એજન્સી દ્વારા સળંગ કામગીરી કરવાને બદલે ઠેકઠેકાણે ખોદકામ કરવામાં આવ્યું છે. તેમાં પણ આ હાઇવે પરની વિવિધ સોસાયટીઓના પ્રવેશદ્વાર પણ ખોદી નાખવામાં આવતાં ત્યાંથી પસાર થતી પાલિકા, પાણી પુરવઠા અને ગટરવ્યવસ્થા બોર્ડની પાઈપ લાઈનને પણ તોડી નાખવામાં આવી છે. જેના કારણે થરાદ નગરમાં પાણીની વિકટ સમસ્યા ઉભી થવા પામી છે. હાઇવે પરની અમુક સોસાયટીઓમાં જ્યાં નગરપાલિકાનો પાણી પહોંચી શકતું નથી, ત્યાં રહીશો માનવતાની દ્રષ્ટિથી પાણી પુરવઠા બોર્ડના એરવાલ્વમાંથી પીવા પુરતું પાણી ભરીને તેમની તરસ છીપાવે છે. જ્યારે બાકીના વિસ્તારોમાં નગરપાલિકા દ્વારા પાણી આપવામાં આવે છે. અગાઉ અઢીસો રૂપિયામાં આવતું ટેન્કર અત્યારે ડીઝલના ભાવ વધવાને કારણે 400 રૂપિયામાં આવતું હોઇ અને પાણી વગર એક દિવસ પણ ચાલે તેમ ન હોઇ સોસાયટીના રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તંત્ર દ્વારા આ અંગે તાકીદના પગલાં ભરવામાં આવે તેવી માંગણી પણ ઉઠવા પામી છે. જો કે નગરપાલિકાના પ્રમુખ જાનકીબેન ઓઝાએ થરાદ નગરના કેટલાક વિસ્તારોમાં જાતે ઉભા રહીને પાણીની પાઈપલાઈન જોડાણની કામગીરી કરાવવામાં આવી છે તેમ જણાવ્યું હતું.