ચોરીની આશંકાએ 9 વર્ષીય બાળકને વિધર્મીઓએ મસ્જિદમાં દોરડાથી બાંધી ઊંધો લટકાવ્યો, ગડદાપાટુનો ઢોરમાર માર્યો



  • બાળકને મારપીટ કરનારા આઠ શખસ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ
  • પોલીસે બાળકને છોડાવ્યો, પોલીસ અને લઘુમતી સમાજના લોકો વચ્ચે ખેંચતાણ

પાલનપુર, 

પાલનપુર ગઠામણ રોડ જામપુરા વિસ્તારમાં મંગળવારે બપોરના સુમારે 9 વર્ષના બાળકનું ચોરીની આશંકાએ અપહરણ કરવામાં આવ્યું હતું, જેને ગદડાપાટુ અને લાફાથી માર મારી મસ્જિદના ઓરડામાં લઈ જવાયો હતો, જ્યાં દોરડાથી બાંધીને તેને ઊંધો લટકાવી દેવાયો હતો.

અપહરણ કરી માર મારી મસ્જિદમાં લટકાવ્યો
પાલનપુરના હરિપુરા વિસ્તારમાં રહી ભીક્ષાવૃત્તિ કરતા પરિવારનાં બે બાળકો મંગળવારે બપોરના સુમારે ગઠામણ દરવાજા પેટ્રોલ પંપ સામેના જામપુરા વિસ્તારમાં ભીક્ષા માટે ગયાં હતાં. ત્યારે મહોલ્લાના શખસો ચોર ચોર કરી તેમની પાછળ પડ્યા હતા, જેમાં 9 વર્ષના બાળકને પકડી લીધો હતો. જેને શફર સરીફભાઇ માંકણોજિયા, મોહંમદતાહીર યાસીનભાઇ માણસિયા, મોહંમદતલ્હા અયુબભાઇ માણસિયા, મુફ્તીલિયાસ ઇદરીશભાઇ ચંગવાડિયા, રેહાન રહેમતુલ્લા માછલિયા, ઇલિયાસભાઇ ઇસ્માઇલભાઇ માછલિયા, મોલાના રહીશસાહબ શરીફ સાહબ માંકણોજિયા અને ફારુક ઇસ્માઇલભાઇ માછલિયાએ ગડદાપાટુનો માર માર્યો હતો. લાફા માર્યા હતા. અને અપહરણ કરી મસ્જિદમાં લઇ ગયા હતા, જ્યાં એક ઓરડામાં દોરડાથી બાંધી તેને ઊંધો લટકાવી દીધો હતો અને ત્યાંથી ઉતારી મસ્જિદની બહાર લાવ્યા હતા. ત્યારે પોલીસકર્મીઓએ તેમની ચુંગાલમાંથી છોડાવ્યો હતો.

પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ અંગે બાળકની માતા અનિતાબેન લલ્લુભાઇ પરમારે પૂર્વ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે આઠ શખસ સામે અપહરણ સહિતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 9 વર્ષના બાળકના પિતા લલ્લુભાઇ પરમાર બોલી કે સાંભળી શકતા નથી. તેમને ચાર સંતાન છે, જેમનું બંને પતિ- પત્ની ભિક્ષાવૃત્તિ કરી ગુજરાન ચલાવે છે.

બાળકે હુમલાખોરોને ઓળખી બતાવ્યા
બાળકને મસ્જિદમાં લટકાવ્યા બાદ શખસો બહાર લઇ આવ્યા હતા, જ્યાં પોલીસે તેને છોડાવી પોલીસ મથકે લઇ ગઇ હતી. બાળક પાસેથી ઘટના જાણ્યા બાદ માર મારનારા શખસોને ઓળખવા માટે બાળકને પુન: જામપુરા લઇ જવાયો હતો, જેણે શખસોને ઓળખી બતાવતાં પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે એકને પકડતાં મહિલાઓ સહિતનાં ટોળાંએ તેને છોડાવ્યો હતો.

કામગીરીમાં રુકાવટ કરનાર 19 સામે ફરિયાદ
પોલીસ પહોંચતાં કોઈ શખસે મસ્જિદના માઇક પર એલાન કરી લોકોને એકત્ર કર્યા હતા, જેમણે પોલીસ પર હુમલો કરી ધક્કામુક્કી કરી પકડેલા અસરફ નામના શખસને છોડાવ્યો હતો. આ અંગે પોલીસે પાંચ મહિલા સહિત 19 જણા સામે કામગીરીમાં રુકાવટનો ગુનો નોંધ્યો હતો.