કાર ચાલક અકસ્માત સર્જી કાર મૂકી ફરાર થઇ ગયો
સુઇગામ તાલુકાના ઉચોસણ પાટિયા નજીક મંગળવારની રાત્રીના સમયે ભાભર તરફથી આવી રહેલ એક કારે સામેથી આવતા છકડાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. કાર ચાલક અકસ્માત સર્જી કાર મૂકી ફરાર થઇ ગયો હતો. જોકે છકડા ચાલકને કોઈ ઇજા થઇ ન હતી. જે કારમાં પોલીસે તપાસ કરતાં તેમાંથી ઈંગ્લીશ દારૂની 844 બોટલ મળી આવી હતી. પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે. સુઇગામ પોલીસ સ્ટાફ મંગળવારે રાત્રે ઉચોસણ પાટિયા નજીક હાઇવે પર નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમિયાન ભાભર તરફથી પુરઝડપે આવી રહેલ એક કાર ચાલકે પોલીસને જોઈ પુરઝડપે કારને ભગાડતાં ઉચોસણ પાટિયા નજીક રાત્રીના અંધકારમાં સામેથી આવતાં એક છકડાને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. અકસ્માતગ્રસ્ત છકડાના ચાલક બબાભાઈ રાવળ (રહે.ઉચોસણ) ને કોઈ ઇજા થઇ ન હતી. જ્યારે કારના આગળના ભાગનું બોનેટ તૂટી ગયું હતું. જ્યારે કારની તલાસી લેતાં નંબર જીજે-02-સીએ- 3032નો ચાલક કાર મૂકી ભાગી ગયો હતો. આ અંગે પોલીસે કારમાં તપાસ કરતાં 27 પેટી ઈંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. આમ દારૂની 844 બોટલ રૂ.84,400 અને એક લાખની કાર મળી કુલ રૂ.1,84,400 નો મુદ્દામાલ કબજે લઈ અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
