મહેસાણા
મહેસાણા ખાણ ખનિજ વિભાગની બે ટીમોએ મંગળવારે સાંજે એક જ સમયે મહેસાણાના કૂકસની સીમમાં તેમજ વડનગરના ઊંડણી ગામની સીમમાં રેડ કરીને સાદી માટીનું ગેરકાયદે ખનન ઝડપી લઈ કુલ રૂ.૮૦ લાખની કિંમતનાં સાધનો સીઝ કરી આગળની કાર્યવાહી હાથ ધરતાં ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે. મહેસાણા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ ખનિજ (સાદી માટી)ની ચોરીની વધી રહેલી ફરિયાદો વચ્ચે જિલ્લાના મદદનિશ ભૂસ્તરશાસ્ત્રી મિત પરમારે પોતે તેમજ માઈન સુપરવાઈઝર સહિત સ્ટાફની બે ટીમો બનાવી મંગળવારે સાંજે જિલ્લામાં બે સ્થળે એક જ સમયે ઓચિંતી રેડ કરી હતી. જેમાં વડનગર તાલુકાના ઊંડણી ગામની સીમમાં સરકારી જમીનમાં સાદી માટીનું ખનન થતું હોઈ ખાણ ખનિજ વિભાગની ટીમે રેડ કરતાં નાસભાગ મચી ગઈ હતી. ટીમે અહીંથી અંદાજિત રૂ.૪૫ લાખનું હિટાચી મશીન સીઝ કર્યું હતું. જ્યારે બીજી ટીમે મહેસાણા તાલુકાના કૂકસ ગામની સીમમાં ખાનગી માલિકીની જગ્યામાં થઈ રહેલા ગેરકાયદે ખનન પર રેડ કરીને એક જેસીબી તથા ટ્રેક્ટર મળીને રૂ.૩૫ લાખનાં વાહનો સીઝ કર્યાં હતાં. બંને સ્થળે ખનનવાળી જગ્યા, ખનન કરનારા શખ્સો, થયેલું ખનન વગેરે અંગેની તપાસ, દંડનિય કાર્યવાહી સહિતની આગળની કાર્યવાહી હાથ ધરાઈ હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું. ખનિજ વિભાગની ટીમોએ અચાનક રેડ કરી કાર્યવાહીં કરતાં ખનિજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.
