અલ્પેશ ઠાકોર તેરવાડાથી કરશે ખાટલા બેઠકની શરૂઆત: 570 ખાટલા બેઠકનો છે લક્ષ્યાંક



 ગુજરાત

ભાજપ નેતા અને ક્ષત્રિય ઠાકોર સેનાના પ્રમુખ અલ્પેશ ઠાકોરે બનાસકાંઠાના કાંકરેજના તેરવાડા ગામેથી ખાટલા બેઠક અને સ્નેહ સંવાદ કાર્યક્રમની શરૂઆત કરી છે જે ગુજરાતના તમામ તાલુકાઓમાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કામાં 40 તાલુકાઓમાં 151 ખાટલા બેઠક યોજાશે. બીજા તબક્કામાં 300 ખાટલા બેઠકો યોજાશે, સમગ્ર ગુજરાતમાં 520 જેટલી ખાટલા બેઠકો યોજાશે, જે ગુજરાતના 5 હજાર જેટલા ગામડાઓને આવરી લેશે.

ખાટલા બેઠકમાં વિરોધીઓ ઉપર પ્રહાર કરતા અલ્પેશ ઠાકોરે કહ્યું હતું કે, અમને રાજનીતિ કરતા નથી આવડતું તો રાજનીતિ કરીશું અને દમખમથી કરીશું અને આ બેઠકો તેનો સંદેશ છે. ગુજરાતમાં બનાસકાંઠા, ગાંધીનગર, સૌરાષ્ટ્ર સહિત 5 મહાસંમેલનો કરીશું. જેમાં દરેક સંમેલનમાં લાખો લોકો હશે તેની તૈયારીના ભાગરૂપે આ ખાટલા બેઠકો થઈ રહી છે.

આ કાર્યક્રમમાં અલ્પેશ ઠાકોરે કહ્યું કે, અમુક લોકો મને ગાળો દે છે મને જ ટાર્ગેટ બનાવે છે. હું તેમને કહેવા માગું છું કે, મારાથી કેમ ડરો છો? મને ગાળો આપવા કરતા રાજનીતિ કરો. એ લોકો મને ગમે તેમ બોલે પણ લોકો મને ભૂલતા નથી અને એજ તેમને યાદ અપાવે છે.