દિલ્હી
દેશભરમાં કોલસાનું સંકટ વધી રહ્યું છે. જેને પગલે ભારતીય રેલવેએ દેશભરમાં જુદા જુદા ઝોનમાં 42 પેસેન્જર ટ્રેનો રદ કરી છે જેથી કરીને માલસામાનની ટ્રેનોની અવરજવર વધારી શકાય અને વહેલી તકે વીજ ઉત્પાદન પ્લાન્ટને કોલસો સપ્લાય કરી શકાય. દેશભરના ઘણા પાવર પ્લાન્ટ પાસે 21 દિવસથી ઓછા કોલસાનો ભંડાર બાકી છે. કેટલીક જગ્યાએ તો માત્ર એક દિવસનો કોલસાનો સ્ટોક વધ્યો છે. રેલવે તરફથી જારી કરાયેલા તાજેતરના આદેશમાં કહેવામાં આવ્યું છે કે, 42 ટ્રેનોને આગામી આદેશ સુધી રદ કરવામાં આવી છે. તેમાંથી 34 ટ્રેનો સાઉથ ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વે અને 8 ટ્રેનો નોર્ધન રેલ્વે ઝોનમાંથી છે. એમપી અને છત્તીસગઢમાં સાંસદોના વિરોધ બાદ છત્તીસગઢની 3 રદ કરાયેલી ટ્રેનો પણ પૂર્વવત કરવામાં આવી છે. નોંધનીય છે કે, ભારતમાં થર્મલ પાવર પ્લાન્ટ્સમાં કોલસાના સ્ટોકનું મોટું સંકટ સામે આવ્યું છે. તેથી કોલસાના પરિવહન માટે યુદ્ધના ધોરણે આ પગલાં લેવામાં આવી રહ્યા છે. બીજી બાજુ, દિલ્હીના ઉર્જા મંત્રી સત્યેન્દ્ર જૈને કહ્યું કે, સમગ્ર દેશમાં કોલસાની તીવ્ર અછત છે, કોઈ બેકઅપ નથી. આજે ઘણી જગ્યાએ માત્ર 1 દિવસનો કોલસો વધ્યો છે, જ્યારે તે 21 દિવસનો હોવો જોઈએ. દિલ્હીની અંદર અમારી કોઈ પેમેન્ટ બાકી નથી. કેન્દ્ર સરકારે કોલસાના રેક્સ વધારે. સંકલનનો અભાવ છે.
