બુધવારે વાવાઝોડા સાથે કમોસમી વરસાદની આગાહી, 30થી 40 કિમીની ઝડપે ફૂંકાઈ શકે પવન


અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોનિક સરક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં ભેજવાળા પવનના કારણે બુધવારથી ઉત્તર ગુજરાત સહિત રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવવાની શક્યતા છે. ઉત્તર ગુજરાતના સરહદી વિસ્તારમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. વાતાવરણમાં પલટાના કારણે ઉત્તર ગુજરાત અને સોરાષ્ટ્રમાં માવઠું થઈ શકે છે. આગામી 21 અને 22 એપ્રિલ કમોસમી વરસાદ સમયે ગાજવીજ થવાની સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે. આ દરમિયાન પ્રતિ કલાકે 30 થી 40 કિલોમીટરની ઝડપે ભારે પવન ફૂંકાતા વાવાઝોડા જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. કમોસમી વરસાદના કારણે દિવસ અને રાતના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો આવશે. જોકે, હવામાં ભેજનું પ્રમાણ અસામાન્ય રીતે વધતાં સપ્તાહના અંત સુધી અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી શકે છે.