ગુજરાત: ધો.3થી 8ના વિદ્યાર્થીઓની પરીક્ષા બાબતે જાણો નવો નિયમ

 


  • ધો.3થી 5માં દરેક વિષયમાં 40 માર્કસનુ પેપર રહેશે

  • પરીક્ષામાં ખાનગી સ્કૂલોના પેપર જાતે કાઢશે

  • પરીક્ષામાં દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ પૂછાશે

     

રાજ્યની તમામ સરકારી, ગ્રાન્ટેડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં વાર્ષિક પરીક્ષાનો 18મી એપ્રિલને સોમવારથી પ્રારંભ થશે. ધો.3થી 8ની વાર્ષિક પરીક્ષામાં તમામ વિષયોમાં દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે. આ વખતે ધો.3થી 8ના બાળકોનું પરિણામ 200 ગુણના આધારે નહી પણ 160 ગુણના આધારે તૈયાર થશે. કારણ કે, કોરોનાના કારણે પ્રથમ સત્રાત પરીક્ષા યોજાઈ શકી નહોતી. જેથી હવે માત્ર દ્વિતીય સત્રાંત પરીક્ષાના આધારે માર્કસ મૂકવામાં આવશે.

મૂલ્યાંકન 160 ગુણના આધારે થશે

સરકારી સ્કૂલોના પેપર GCERT મોકલશે જ્યારે ખાનગી સ્કૂલો પ્રશ્નપત્ર જાતે કાઢવાની છુટ આપવામાં આવેલી છે. પ્રાથમિક શાળાની વાર્ષિક પરીક્ષા 18 એપ્રિલથી શરૂ થશે અને 28 એપ્રિલના રોજ પૂર્ણ થશે. આ પરીક્ષામાં ધો.3થી 8ના તમામ વિષયોમાં દ્વિતીય સત્રનો અભ્યાસક્રમ ધ્યાને લેવામાં આવશે. સતત બે વર્ષ સુધી કોરોનાના કારણે વાર્ષિક પરીક્ષા યોજ્યા વિના જ વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવામાં આવ્યું છે, જેથી આ વર્ષે એટલે કે, ત્રીજા વર્ષે સ્કૂલોની વાર્ષિક પરીક્ષા યોજાશે. ધો.3થી 5માં દરેક વિષયમાં 40 માર્કસનુ પેપર રહેશે અને 2 કલાકનો સમય આપવામાં આવશે.

સરકારી સ્કૂલોના પેપર GCERT મોકલશે

ધો.6થી 8માં 80 માર્કસનું પેપર પૂછવામાં આવશે અને 3 કલાકનો સમય આપવામાં આવશે. તમામ ધોરણની પરીક્ષા સવારે 8 વાગે શરૂ કરવામાં આવશે. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, સામાજિક વિજ્ઞાન, પર્યાવરણ વિષયની સમાન કસોટીઓ અમલી કરવાની રહેશે. વર્ષ-2020ના માર્ચ મહિનામાં ગુજરાતમાં કોરોનાએ એન્ટ્રી કરી હતી, દરમિયાન ધો.10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ યોજાઈ શકી હતી પરંતુ ધોરણ.3થી 9 અને ધો.11ની વાર્ષિક પરીક્ષાઓ યોજાઈ નહોતી. જેના કારણે રાજ્ય સરકાર દ્વારા ધોરણ.1થી 9 અને 11ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આવામાં આવ્યું હતુ.