રણબીર-આલિયાના લગ્નમાં 200 બાઉન્સર્સની સિકયોરિટી

 

રણબીર કપૂર અને આલિયા ભટ્ટના આગામી તા. ૧૪મી એપ્રિલે યોજાનારાં લગ્ન માટે બંને પરિવારોમાં લગ્નની તૈયારીઓ આખરી તબક્કામાં પહોંચી છે. હજુ સુધી બંને પરિવારોએ સત્તાવાર રીતે લગ્નની ઘોષણા કરી નથી પરંતુ રણબીર કપૂરના બંગલે તૈયારીઓનો ધમધમાટ તથા બંનેના પરિવારજનો તથા મિત્ર વર્તુળોમાંથી આવી રહેલી વિગતો અનુસાર બંને તા. ૧૪મીએ ઓછા મહેમાનોની હાજરીમાં પરંતુ શાનદાર સમારંભમાં એકમેકના જીવનસાથી બની જશે. 
 કપૂર પરિવારના બંગલો કૃષ્ણા કોટેજ ખાતે કેટલાય કારીગરોએ રોશનીની હારમાળા ગોઠવવાનું શરુ કરી દીધું છે. સમગ્ર બંગલો લગ્નના પ્રસંગોના ચાર દિવસ દરમિયાન ઝગમગતો રહેશે. સાથે ફૂલોની ખાસ સજાવટ પણ કરવામાં આવી રહી છે. નીતુ કપુર ખુદ સમગ્ર તૈયારી પર નજર રાખી રહી છે. 
બીજી તરફ આલિયાના ભાઇ રાહુલ ભટ્ટના જણાવ્યા અનુસાર મુંબઇની એક એજન્સીને સિક્યુરિટીની જવાબદારી સોંપાઈ છે. આ એજન્સીના ૨૦૦ બાઉન્સર્સ લગ્ન સ્થળે ગોઠવાશે. લગ્નમાં ગણતરીના ૪૦થી ૫૦ અંગત લોકોને જ આમંત્રણ હોવાથી કોઇપણ અનિચ્છનિય વ્યક્તિનો પ્રવેશ ટાળવા માટે તથા ખાસતો પાપારાઝી ફોટોગ્રાફર્સની કોઇપણ હિલચાલને ખાળવા માટે ચુનંદા જવાનો ગોઠવવામાં આવશે. 
જોકે, સાથે સાથે પરિવારજનો તથા અન્ય મહેમાનોનું માન જળવાય તે માટે સિક્યુરિટી જવાનોને એકદમ વિન્રમ અને વિવેકી રહેવા પણ જણાવાયું છે. 
પાપારાઝીઓને ટાળવા માટે ડ્રોન સિક્યુરિટીની પણ ગોઠવણ કરવામાં આવી છે.સાથે સાથે સમગ્ર સંકુલ આસપાસ સિક્યુરિટીની વાન પણ ફરતી રહેશે. 
લગ્ન નાનાપાયે હોવાથી સમગ્ર આયોજન કોઈ વેડિંગ પ્લાનર કે ઇવેંટ મેનેજમેંટ કંપનીને સોંપાયું નથી. તેને બદલે પરિવારજનો તથા મિત્રોએ જ નાની મોટી વ્યવસ્થા પોતાની જાતે વહેંચી લીધી છે. મહેંદી તથા અન્ય કેટલીક નાની વિધિઓ તો રણબીર જે એપાર્ટમેંટમાં રહે છે તેના કોમ્યુનિટી હોલમાં જ ગોઠવવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.