તંજાવુર
તામિલનાડુના તંજાવુર જિલ્લામાં બુધવારે સવારે એક મંદિરમાં રથયાત્રા દરમિયાન કરન્ટ લાગવાથી લગભગ 11 લોકોના મોત થયા છે, મૃતકોમાં બે બાળકોનો પણ સમાવેશ થાય છે. પોલીસે જણાવ્યું હતું કે આ ઘટના ત્યારે બની હતી જ્યારે લોકો મંદિરની પાલખી પર ઉભા હતા, જ્યારે પાલખી કાલીમેડુના અપ્પર મંદિરમાં હાઇ-ટ્રાન્સમિશન લાઇનના સંપર્કમાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર, મંદિરની પાલખી ફેરવતી વખતે ઓવરહેડ લાઇનના સંપર્કમાં આવવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો. તેમજ ગંભીર રીતે ઘાયલ ત્રણ સહિત 15 લોકોને સારવાર માટે તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. તિરુચિરાપલ્લીના સેન્ટ્રલ ઝોનના પોલીસ મહાનિરીક્ષક વી બાલક્રિષ્નને અકસ્માત વિશે જણાવ્યું કે, કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલુ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તમિલનાડુમાં બનેલી આ ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, તમિલનાડુના તંજાવુરમાં થયેલા અકસ્માતથી ખૂબ દુઃખ થયું. દુઃખની આ ઘડીમાં મારી સંવેદનાઓ શોકગ્રસ્ત પરિવારો સાથે છે, હું આશા રાખું છું કે અકસ્માતમાં ઘાયલ થયેલા લોકો જલ્દી સ્વસ્થ થશે. આ ઉપરાંત તમામ પીડિતોને વળતરની પણ જાહેરાત કરવામાં આવી છે.
તામિલનાડુના તંજાવુર જિલ્લામાં મોટી દુર્ઘટના ઘટી છે. અહીં એક મંદિરનો રથ લાઈવ વાયરના સંપર્કમાં આવી ગયો હતો. જેમાં બે બાળકો સહિત 11 લોકોના મૃત્યુ થયા છે અને 15 અન્ય લોકો ઘાયલ થયા છે. ઘટનાની માહિતી મળતા જ પોલીસ સ્થળ પર પહોંચી ગઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર ઘટના બુધવારે સવારે બની છે. કાલીમેડુના અપ્પર મંદિરમાં પાલકીની સાથે ઉભેલા લોકો અચાનક હાઈ-ટ્રાન્સમિશન લાઈનના સંપર્કમાં આવવાના પગલે આગ લાગી હતી. રાજ્યના CM એમ કે સ્ટાલિને પીડિતોને 5 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. તે આજે સવારે 11.30 વાગ્યે તંજાવુર પહોંચશે અને ઘાયલોની મુલાકાત કરશે.
PMએ મૃતકના પરિવારને 2 લાખ અને ઘાયલને 50 હજારની મદદની જાહેરાત કરી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને 2 લાખ રૂપિયાની સહાયની જાહેરાત કરી છે. જ્યારે ઘાયલ થયેલા લોકોને 50,000 રૂપિયાની મદદ આપવામાં આવશે.
દાઝેલા લોકોને તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરાયા
અધિકારીઓએ જણાવ્યું કે ઉપરથી વીજળીના વાયરો જવાના કારણે મંદિરની પાલકીને પરત વળાવતી વખતે ભારે મુશ્કેલી સર્જાઈ હતી. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું કે જે લોકોના મૃત્યુ થયા છે, તેમાં બે બાળકો પણ સામેલ છે. જ્યારે ત્રણ લોકો ગંભીર રીતે દાઝી ગયા છે. દાઝેલા લોકોને તંજાવુર મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા છે. તિરુચિરાપલ્લી સેન્ટ્રલ ઝોનના ઈન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ વી બાલકૃષ્ણાના જણાવ્યા અનુસાર હાલ આ મામલામાં કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે. સમગ્ર ઘટનાનો વીડિયો બહાર આવ્યો છે. જેમાં રથ સંપૂર્ણ રીતે ક્ષતિગ્રસ્ત દેખાઈ રહ્યો છે.
મોટી સંખ્યામાં લોકો હાજર હતા
રથ લાઈવ વાયરના સંપર્કમાં આવવાના કારણે સંપૂર્ણ ક્ષતિગ્રસ્ત થયો છે. તેની તસ્વીર પણ બહાર આવી છે. આ તહેવારનું આયોજન તમિલનાડુમાં દર વર્ષે થાય છે. દર વર્ષે મોટી સંખ્યામાં લોકો તેમાં ભાગ લે છે. એવામાં હાલ લોકોની સુરક્ષાને લઈને સવાલ સર્જાઈ રહ્યાં છે કે અહીં અચાનક જ લાઈવ વાયર કઈ રીતે આવ્યો અને કઈ રીતે રથ તેના સંપર્કમાં આવી ગયો કે આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા.
પાવર સપ્લાય બંધ નહોતો
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે કોઈ પણ દુર્ઘટનાથી બચવા માટે સામાન્ય રીતે મંદિરના રસ્તાનો પાવર સપ્લાઈ બંધ કરવામાં આવે છે. જોકે આ વખતે રથની ઉંચાઈ એટલી નહોતી કે તે હાઈ વોલ્ટેજ લાઈનને અડી શકે. તેના કારણે આ વખતે પાવર સપ્લાયને બંધ કરવામાં આવ્યો નહોતો. જોકે રથ પરના ડેકોરેશનના કારણે તેની ઉંચાઈ વધી જતા આ દુર્ઘટના બની છે.
લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા
પ્રાપ્ત માહિતી મુજબ, અહીં 26 એપ્રિલના રોજ 94માં અપ્પર ગુરુપુજાઈની ઉજવણી થઈ રહી હતી. આ કાર્યક્રમમાં આસપાસના વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આ બધા લોકો રથની સાથે ગલીઓમાંથી પસાર થઈ રહ્યાં હતા. આ દરમિયાન અચાનક જ રથ લાઈવ વાયરના સંપર્કમાં આવી ગયો હતો. જેના સંપર્કમાં રથ અને બે બાળકો સહિત 11 લોકો આવી જતા તેમના ઘટના સ્થળે જ મોત થયા હતા. આ દુર્ઘટનામાં 15 લોકોને ઈજા થઈ છે. હાલ જે લોકોની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, તેમાંથી 6 લોકોની સ્થિતિ ગંભીર છે.