ઢીમા-સપ્રેડા ડિસ્ટ્રી. કેનાલ પર 10 વર્ષથી પૂલ-કેનાલનું કામ અધૂરું, ખેડૂતોમાં રોષ

 


પાણીનો પ્રવાહ વધારે થાય તો ખેતરોમાં જાય અને પાકને નુકશાન થાય છે...

વાવ

સરહદી વાવ તાલુકામાં છાશવારે કેનાલો તૂટી જાય છે અને ખેડૂતોનાં ઉભા પાકમાં પાણી ફરી વળે છે. જેથી લાખોનું નુકશાન થાય છે. ઢીમા સપ્રેડા ડિસ્ટ્રીબ્યુટરી કેનાલ વચ્ચે પૂલનું કામ વર્ષોથી અધૂરું હોવાથી તખતપુરા-પ્રતાપપુરા રોડથી ૧.કિમીનાં અંતરે આવેલી કેનાલ પર રસ્તો આવતો હોવાથી વર્ષોથી અહીંયા કેનાલ પર પૂલ બનાવવાની માગ કરી હતી. અહીં પાણીનો પ્રવાહ હોવાથી ખેતરોમાં પણ પાણી જાય છે અને પાકને નુકશાન થાય છે. આજે 10 વર્ષ પછી પણ પુલનું કામ કરવામાં નહિ આવતાં ખેડૂતો ભારે મુશ્કેલીઓ વેઠી રહ્યાં છે.  આ અંગે ખેડૂતોએ જણાવ્યું હતું કે નર્મદાનાં અધિકારીઓને આ અંગે અનેક વખત લેખિત ફરિયાદ કરવા છતાં આજદિન સુધી અધૂરી કેનાલનું કામ પૂરું નથી કરતાં તેમજ પૂલના અધુરા કામને કારણે અમારે ખેતરોમાં જવું હોય તો એક કિલોમીટર સુધી ચાલીને અથવા ટ્રેક્ટર લઈને જવું હોય તો પણ કેનાલનું તખતપુરા પ્રતાપપુરા રોડ નજીકનો પુલ હોઈ ત્યાંથી જવું પડે છે. ત્યારે સત્વરે આ અધૂરી કેનાલનું કામ પૂર્ણ કરાય અને પુલની ટેન્ડર પ્રક્રિયાઓ હાથ ધરી આ કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ ઉઠી છે.