સાળંગપુરમાં કાલે દાદાનાં દર્શન માટે 10 લાખથી વધુ ભક્તો ઊમટશે

 


સાળંગપુર

બે વર્ષ બાદ સાળંગપુરના શ્રીકષ્ટભંજનદેવ મંદિરમાં ૧૬મીએ હનુમાનજયંતીની ભવ્યાતિભવ્ય ઉજવણી થશે. એ માટે મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવી છે. અંદાજે 10 લાખથી વધુ દર્શનાર્થીઓ હનુમાનજંયતીના દિવસે આવશે, તેથી દર્શનાર્થીઓને મુશ્કેલી ના થાય એ માટે મંદિર પરિસરમાં રહેવા તથા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત એકસાથે દસ હજારથી વધુ વાહન પાર્ક થઈ શકે એ માટે 6 વિશાળ પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યા છે. દાદાના જન્મોત્સવની રંગેચંગે ઉજવણી થાય એ માટે અહીં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાશે.

શાસ્ત્રી હરિપ્રકાશ દાસ સ્વામીએ જણાવ્યું કે ‘’શુક્રવારે 15મી તારીખે બપોરે 3થી 7 વાગ્યા સુધી નરાયણ કુંડથી મંદિરના પરિસર સુધી પંચમુખી હનુમાનજીની હાથી પર ભવ્ય શોભા યાત્રા નીકળશે. આ શોભાયાત્રામાં હજારો બહેનો મસ્તક પર દાદાના અભિષેકનું જળ ધારણ કરશે. 251 પુરુષ અને મહિલા સાફા ધારણ કરીને શોભાયાત્રમાં જોડાશે. તો 108 બાળકો ધ્વજ લહેરાવી શોભાયાત્રાને મહેકાવશે. શોભાયાત્રામાં નાશિક ઢોલ, DJ અને બેન્ડવાજા પણ લોકોને મંત્રમુગ્ધ કરશે. આ ઉપરાંત દેશી ઘોડાગાડી અને બળદગાડું પણ શોભાયાત્રામાં ખાસ આકર્ષણ જમાવશે. આ દરમિયાન સંતો દ્વારા 251 કિલો ફૂલ અને 25 હજાર કિલો ચોકલેટનો દર્શનાર્થીઓ પર વરસાદ કરાશે.’’ આ અંગે હરિપ્રકાશ સ્વામીએ જણાવ્યું હતું કે ‘’15 તારીખે રાત્રે 8.30 વાગ્યાથી મોડે સુધી અહીં ભવ્ય લોકડાયરો યોજાશે, જેમાં લોકસાહિત્યકાર બ્રિજરાજદાન ગઢવી, હાસ્યકલાકાર હિતેશભાઈ અંટાળા અને જાદુગર અમિતભાઈ સોલંકી શ્રદ્ધાળુઓને જમાવટ કરાવશે.’’