મુંબઈ, તા. 28 ફેબ્રુઆરી, 2022, સોમવાર
અભિનેત્રી દીપિકા પાદુકોણે ફિલ્મફેર સાથેના ઈન્ટરવ્યુ દરમિયાન પોતાની કારકિર્દીના પ્રાથમિક તબક્કામાં પોતાને મળેલી સૌથી સારી અને સૌથી ખરાબ સલાહ યાદ કરી હતી. દીપિકાએ ફિલ્મ ક્ષેત્રે ઝંપલાવતા પહેલા એક મોડેલ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ઈન્ટરવ્યુ દરમિયાન તેણે જણાવ્યું કે, તે 18 વર્ષની હતી ત્યારે તેને 'બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ્સ' માટે સલાહ આપવામાં આવી હતી અને તે તેની જિંદગીની સૌથી ખરાબ સલાહ હતી. સાથે જ દીપિકાએ જણાવ્યું કે, તેણે તે સલાહને ગંભીરતાથી ન લેવાનું શાણપણ દાખવ્યું હતું.
દીપિકાએ ફિલ્મફેરને જણાવ્યું કે, 'મને સૌથી ખરાબ સલાહ બ્રેસ્ટ ઈમ્પ્લાન્ટ કરાવવાની મળી હતી. ત્યારે હું માત્ર 18 વર્ષની જ હતી. મને નવાઈ લાગે છે કે, મેં તે વાતને કદી ગંભીરતાથી શા માટે ન લીધી. '
આ સાથે જ પોતાની મળેલી સૌથી શ્રેષ્ઠ સલાહ અંગે વાત કરતા દીપિકાએ કહ્યું કે, તેને પોતાના પ્રથમ કો-સ્ટાર શાહરૂખ ખાન તરફથી સમજદારીભરી સલાહ મળી હતી. દીપિકાએ જણાવ્યું કે, 'શાહરૂખ સારી સલાહો આપે છે અને મને તેના પાસેથી ઘણું મળ્યું છે. શાહરૂખ પાસેથી મળેલી સૌથી મૂલ્યવાન સલાહોમાંથી એક હતી, હંમેશા એ લોકો સાથે કામ કરવું જેના સાથે તમને લાગે કે તમે સાથે સારો સમય વિતાવી શકશો. કારણ કે, જ્યારે તમે એક ફિલ્મ બનાવી રહ્યા છો ત્યારે તમારૂં જીવન પણ જીવી રહ્યા છો, યાદો બનાવી રહ્યા છો અને અનુભવ લઈ રહ્યા છો.'
