ગ્રીષ્મા હત્યા કેસમાં હત્યારા ફેનિલને ફાંસીની સજા, સુરત સેશન્સ કોર્ટનું એલાન

 


સુરત

સુરતના પાસોદરામાં ગત 12 ફેબ્રુઆરીએ સરાજાહેર કરાયેલી ગ્રીષ્મા વેકરિયાની હત્યાના કેસમાં હત્યારા ફેનિલ ગોયાણીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. જજે કહ્યુ કે, આ રેરેસ્ટ ઓફ ધી રેર કેસ છે. દંડ આપવો સરળ નથી. આરોપીને પસ્તાવો કે કાયદાનો ડર દેખાતો નથી. ગ્રીષ્મા હત્યા કેસમાં દોષિત જાહેર થયેલા ફેનિલ ગોયાણીને સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યો હતો. ફેનિલને સુનાવણી દરમિયાન કોર્ટમાં લાવવામાં આવ્યો હતો. જેમાં 188 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા. આ કેસની તપાસમાં 2500 પાનાની ચાર્જશીટ દાખલ કરાઈ હતી. પોલીસે માત્ર પાંચ દિવસમાં આ ચાર્જશીટ ફાઈલ કરી દીધી હતી. ગત 22મી એપ્રિલના રોજ આખો દિવસ સજા પર દલીલો થઈ હતી. પહેલાં બચાવ પક્ષે દલીલ કરી હતી. ત્યાર બાદ સરકાર પક્ષે દલીલ કરી હતી. ત્યાર બાદ ફરી બચાવ પક્ષની દલીલો થઈ હતી. સરકાર પક્ષે કહ્યું હતું કે, વેબસિરીઝ જોઈને હત્યા કરી છે. ત્યારે સામે પક્ષે દલીલ કરતાં જણાવ્યું હતું કે, વેબસિરીઝ જોતો એટલે લટકાવી દશો? બંને પક્ષોની દલીલો બાદ જજ આજે 5મી મેના રોજ સજાનો ચુકાદો જાહેર કરવામાં આવ્યો છે. ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજ્યના નાગરિકોને વધુ સુરક્ષીત કરવાના મક્કમ નિર્ધાર સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વવાળી રાજ્ય સરકારે અનેકવિધ પ્રયાસો હાથ ધર્યા છે. ગુજરાતમાં જધન્ય અપરાધ કરવાવાળાને કોઇ સ્થાન નથી. આવા અપરાધોને રાજ્ય સરકાર સાંખી લેશે નહીં. રાજ્ય સરકારની દ્રઢ ઇચ્છાશક્તીના પરિણામે તાજેતરમાં સુરત ખાતે થયેલ ગ્રીષ્માના હત્યા કેસમાં નામ.કોર્ટ દ્વારા માત્ર ૭૦ દિવસમાં આ ગુનાને રેરેસ્ટ ઓફ ધ રેર ગણીને આરોપીને ફાંસીની સજા ફરમાવી છે. તે રાજ્ય સરકારની પ્રતિબધ્ધતા દર્શાવે છે.