ઘરેલું એલપીજી સિલિન્‍ડરના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો

 


નવી દિલ્‍હી, તા.૭: આજે સામાન્‍ય જનતાને મોંઘવારીનો વધુ એક આંચકો લાગ્‍યો છે. ઘરેલુ એલપીજી સિલિન્‍ડરની કિંમતમાં ૫૦ રૂપિયાનો વધારો થયો છે. ઘરેલુ એલપીજી સિલિન્‍ડરની વધેલી કિંમત આજથી દેશભરમાં લાગુ કરવામાં આવી છે. જણાવી દઈએ કે આ પહેલા ૨૨ માર્ચે ઘરેલુ એલપીજીની કિંમતમાં ૫૦ રૂપિયા પ્રતિ સિલિન્‍ડરનો વધારો કરવામાં આવ્‍યો હતો, ત્‍યારબાદ દિલ્‍હીમાં સબસિડીવાળા ૧૪.૨ કિલોના એલપીજી સિલિન્‍ડરની કિંમત ૯૪૯.૫૦ રૂપિયા પર પહોંચી ગઈ હતી. આજે કિંમતમાં વધારો કર્યા પછી, દિલ્‍હીમાં ઘરેલુ એલપીજી સિલિન્‍ડરની કિંમત હવે ૯૯૯.૫૦ રૂપિયા થઈ ગઈ છે. પેટ્રોલિયમ ઉદ્યોગના પ્રારંભિક ડેટા અનુસાર, એપ્રિલમાં એલપીજીનો વપરાશ માસિક ધોરણે ૯.૧ ટકા ઘટીને ૨.૨ મિલિયન ટન થયો છે, જે એપ્રિલ ૨૦૨૧ની સરખામણીમાં ૫.૧ ટકાનો વધારો છે. માર્ચ પહેલા, ગયા વર્ષે ૬ ઓક્‍ટોબરે ઘરેલુ એલપીજીની કિંમતમાં ફેરફાર કરવામાં આવ્‍યો હતો. નોંધનીય છે કે ૧ મેના રોજ સરકારી તેલ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્‍ડરની કિંમતમાં પણ વધારો કર્યો હતો. કોમર્શિયલ એલપીજી સિલિન્‍ડર ૧૦૨.૫૦ રૂપિયા મોંઘું થયું છે. નવી કિંમત લાગુ થયા બાદ દિલ્‍હીમાં ૧૯ કિલોના કોમર્શિયલ ગેસ સિલિન્‍ડરની કિંમત ૧ મેથી ૨૨૫૩ રૂપિયાથી વધીને ૨૩૫૫.૫૦ રૂપિયા થઈ ગઈ છે. જાણો ૧ મેના રોજ જેટ ફયુઅલ પણ મોંઘુ થયું હતું. દિલ્‍હીમાં એર ટર્બાઈન ઈંધણની કિંમત વધીને ૧૧૬૮૫૧.૪૬ રૂપિયા પ્રતિ કિલોલીટર થઈ ગઈ છે. અગાઉ ૧૬ એપ્રિલે ATFની કિંમતમાં વધારો કરવામાં આવ્‍યો હતો.