ડીસામાં ધોળે દિવસે ફાયરિંગ કરી લૂંટ ચલાવી



ડીસા શહેરમાં ગતરોજ  આંગડિયાના બે કર્મચારીઓ થેલા લઈને જઇ રહ્યા હતા તે દરમ્યાન સફેદ કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ ફાયરિંગ કરીને ભોગ બનનાર પાસેથી બે થેલા લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ભોગ બનનારને હાથમાં ઇજા પહોંચી છે. અને સારવાર માટે ડીસાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

ચોરી અને લૂંટ જેવી ઘટનાઓ હવે ડીસા શહેરમાં સામાન્ય બનતી જઇ રહી છે. શહેરમાં નિર્દોષ લોકોને હેરાન પરેશાન કરતી પોલીસ આવી ખતરનાક ઘટનાઓ અટકાવવામાં સરેઆમ નિષ્ફળ નીવડી રહી છે.  ડીસા શહેરના હીરા બજારમાં આવેલી કે.અશ્વિનકુમાર એન્ડ કુ નામની આંગડિયાની પેઢીના બે કર્મચારીઓ શહેરના સાઈબાબા મંદિરથી આંગડિયા પેઢીના બે થેલા લઈને એક્ટિવા પર પસાર થઈ રહ્યા હતા. તે દરમ્યાન હીરા બજાર નજીક સફેદ કારમાં આવેલા બે અજાણ્યા શખ્સોએ આંગડિયા પેઢીના કર્મચારીઓને અટકાવીને તેમના પાસે રહેલો થેલો ઝૂંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. તે દરમ્યાન કારમાં આવેલા શખ્સોમાંથી એક શખ્સે જીતુભાઈ પંચાલ નામના શખ્સના હાથ પર ધારિયાનો ઘા કરીને ઇજા પહોંચાડી હતી. ધારિયાનો ઘા કરવા છતા પણ જીતુભાઈ પંચાલે થેલો ન છોડતા કારમાં આવેલા અન્ય શખ્સે ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગનો અવાજ સાંભળીને જીતુભાઈના હાથમાં રહેલા થેલા છૂટી જતાં કારમાં આવેલા બંને શખ્સો તેમની કાર સાથે થેલા લઈને ફરાર થઈ ગયા હતા. આ ઘટનામાં ૨૭ લાખ ૮૮ 

હજારની લૂંટ થઈ હોવાનું અનુમાન છે. 

આ ઘટના બનતા ઘટના સ્થળે લોકોનું મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું. અને આસપાસના લોકોએ એકત્રિત થઈને ઘટનામાં ઇજાગ્રસ્ત થયેલા જીતુભાઈને તાત્કાલિક સારવાર માટે ડીસાની સિવિલ હોસ્પિટલ સારવાર માટે ખસેડયા હતા. જ્યાં આ ઘટનામાં ભોગ બનનાર ઇજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે.  

આ ઘટના બન્યા બાદ એક તરફ પોલીસ ફાયરિંગ ન થયું હોવાનું જણાવી રહી છે.  જ્યારે ભોગ બનનાર બંને શખ્સો શંકરભાઈ અને જીતુભાઈ પંચાલે તેમના નિવેદનમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યુ છે કે આ ઘટનામાં ફાયરિંગ થયું છે. ત્યારે ફાયરિંગની ઘટના પર પોલીસ કેમ પરદો પાડી રહી છે. ? આ ઉપરાંત આ ઘટનામાં કેટલો મુદ્દામાલ ગયો તે અંગે પણ ભોગ બનનારે કોઈ જાણકારી આપી નથી. ત્યારે આ ઘટનામાં પોલીસ જે રીતે ઘટના પર 

પરદો પાડવાનો પ્રયાસ કરી રહી છે તે પોલીસની કામગીરી સામે સવાલ ઊભા કરી રહી છે.