વાવ તાલુકાના ચોથાર નેસડા ગામે છેલ્લાં 10 દિવસથી પાણીના પોકાર

 


\

વાવ

સરહદી વાવ તાલુકામાં ઉનાળાનાં પ્રારંભે જ પીવાનાં પાણીની પારાયણ શરૂ થઈ જાય છે.  ત્યારે 4000ની વસ્તી ધરાવતા વાવ તાલુકાના ચોથાનેસડા ગામે  છેલ્લાં દસ દિવસથી પીવાનું પાણી મળતું નથી. જેમાં ગુરુવારે ચાલુ થયું હતું પણ પ્રેશર વગર આવતું હોવાથી મહિલાઓ પાણી હલાકીઓ ભોગવી રહી છે. તેમજ ગ્રામજનો સહિત પશુપાલકોની હાલત કફોડી બની છે. તેથી સત્વરે પીવાનું પાણી ચાલુ થાય એવી માગણી કરી રહ્યાં છે. વાવ તાલુકાનાં તખતપુરા રામઆશરા મુખ્ય સંપમાંથી ચોથાર નેસડામાં પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. જોકે છેલ્લા ૧૦ દિવસથી ગ્રામજનો પાણી માટે ટળવળી રહ્યા હતા ત્યારે ગુરુવારે પાણી મળ્યું હતું પરંતુ પુરતા પ્રેશરથી ન મળતાં ભારે હાલાકી પડી હતી. આ અંગે ચોથાર નેસડાના સરપંચ પરાગભાઈ રાજપૂતે જણાવ્યું હતું કે 1.50 લાખ લીટર પાણીનાં દૈનિક વપરાશની સામે માત્ર ચોથભાગનું પણ પાણી પૂરતું મળતું નથી.  નિયમિત પાણી મળતું નથી. બે દિવસ પાણી આવે અને બંધ થઈ જાય છે. આ ઉપરાંત પાણીના ગેરકાયદે કનેક્શનોને કારણે પ્રેશર મળતું ન હોવાથી પાણીની અછત સર્જાય છે. પાણી પુરવઠા, કોન્ટ્રાક્ટર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સત્વરે બિનકાયદેસર કનેકશન દૂર કરવામાં આવે એવી અમારી માગણી છે. એવો પણ આક્ષેપ કરાયો હતો કે, રામઆશરા સંપથી લઈને છેક ચોથાર નેસડા ગામ સુધી ખેતરોમાં  મેઈનલાઈનમાંથી ગેરકાયદે કનેક્શન લીધેલા હોવાથી ગામમાં પીવાનું પાણી મળતું નથી. આથી પાણી પુરવઠા નિગમ દ્વારા સત્વરે આવા ભૂતિયા કનેક્શન કાપી પીવાનાં પાણીનો જથ્થો પૂરતો કરે તેવી માંગ ઉઠી છે.